ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
શહેરી ગરીબો-મધ્યમ વર્ગના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરાવવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડીની રકમ તથા યોજનાના વ્યાપમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. સૂચિત સુધારામાં વ્યવસાયિક, દુકાનદારો તથા નાના વેપારીઓને પણ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
- Advertisement -
કેન્દ્ર સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે આવાસના ક્ષેત્રફળ તથા કિંમતના આધારે લોન સબસીડી નકકી કરવાની વિચારણા છે રૂા.35 લાખના આવાસની ખરીદીમાં 30 લાખ સુધીની લોનમાં વ્યાજ સબસીડી આપવાનું સરકાર વિચારી રહી છે. કેન્દ્ર સરકારે અગાઉ ક્રેડીટ લીંકડ સબસીડી સ્કીમ લાગુ કરી છે જેમાં આવકના આધારે હોમલોન સબસીડી આપવામાં આવતી હતી. 2021માં આ સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી. પાંચ વર્ષ સુધી અમલમાં રહેલી આ સ્કીમમાં 25 લાખ સુધીના મકાનમાં ધિરાણ આપવામાં આવતું હતું અને પાંચ વર્ષમાં 59000 કરોડની સબસીડી આપવામાં આવી હતી.
2024-25ના વચગાળાના બજેટમાં મહત્વકાંક્ષી હાઉસીંગ સ્કીમ હેઠળ 80671 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને નાણાપ્રધાન નિર્મલા સીતારામને એમ કહ્યું પણ હતું કે ભાડાના મકાન અથવા ચાલ કે ઝુંપડપટ્ટી અથવા બિનઅધિકૃત સોસાયટીમાં રહેતા મધ્યમવર્ગને રાહતરૂપ યોજના દાખલ કરવામાં આવશે.
જુન 2015માં મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરી હતી તેમાં શહેરી લાભાર્થીઓને પાકા મકાન આપવાનો આશય હતો. આ મિશન હેઠળ આવતા પાંચ વર્ષમાં વધુ બે કરોડ પરિવારોને આવાસ લાભ આપવાનો ટારગેટ છે. આવાસ-શહેરી બાબતોના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંઘ પુરીએ પણ ગત જાન્યુઆરીમાં કહ્યું હતું કે શહેરી એફોર્ડેબલ હાઉસીંગ માટે વ્યાજ સબસીડી સ્કીમ માટે કેબીનેટમાં દરખાસ્ત મોકલાશે.