ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મંગળવારે પીએમ મોદીએ પેરિસમાં AI સમિટમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે. સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે. આ દર્શાવે છે કે AIનું પોઝિટિવ પોટેન્શિયલ અસાધારણ છે. પીએમ મોદીએ કહ્યું- આપણે AI યુગની શરૂઆતમાં છીએ, જે માનવતાને બચાવશે. કેટલાક લોકો મશીનોનું માણસોથી શ્રેષ્ઠ હોવાને લઈને ચિંતા કરે છે. ભારત પોતાના એક્સપીરિયન્સ અને એક્સપર્ટીઝને વ્યક્ત કરવા માટે તૈયાર છે, જેથી એ સુનિશ્ર્ચિત કરી શકાય કે ભવિષ્ય સારું બને.
- Advertisement -
મોદીએ કહ્યું કે ભારતે ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ડેટા એમ્પાવરમેન્ટ દ્વારા ડેટાની તાકાતને અનલોક કરી છે. આ વિઝન ભારતના રાષ્ટ્રીય AI મિશનનું મૂળ છે. AIએ કહ્યું કે ભારત AIને સ્વીકાર કરવા અને ડેટા પ્રાઇવસીમાં લીડ કરે છે. અમારી પાસે દુનિયાનો સૌથી મોટો AI ટેલેન્ટ પુલ છે.
મોદી પેરિસ એઆઈ સમિટના સહ-અધ્યક્ષ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઉપરાંત, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સહિત ઘણા વિશ્ર્વ નેતાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે. આ સમિટ પછી પીએમ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે, જેમાં 2047 માટે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. આ વાતચીતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે. આ પહેલી વાર બનશે જ્યારે ભારતનો બીજો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ તેની પાસેથી શસ્ત્રો ખરીદશે.
ભારત વિશ્ર્વમાં સૌથી વધુ શસ્ત્રો ખરીદતો દેશ છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા હેઠળ તેણે પોતાના શસ્ત્રોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં, ભારત તેની સંરક્ષણ નિકાસમાં પણ સતત વધારો કરી રહ્યું છે. વિયેતનામ અને ફિલિપાઇન્સ પછી, ઇન્ડોનેશિયા પણ ભારત સાથે સંરક્ષણ સોદો કરવા માંગે છે. દરમિયાન, ફ્રાન્સે પણ ભારતની પિનાકા રોકેટ સિસ્ટમમાં રસ દાખવ્યો છે.
પીએમ મોદી સોમવારે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. તેઓ પેરિસના ઓર્લી એરપોર્ટ પર હાજર ભારતીયોને મળ્યા હતા. ફ્રાન્સ સરકારે પ્રધાનમંત્રીના માનમાં સોમવારે રાત્રે પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે VVIP ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
ફ્રાન્સ જતી વખતે PM મોદીનું વિમાન પાકિસ્તાનમાં ઘૂસ્યું! 46 મિનિટ ઈસ્લામાબાદમાં ખળભળાટ મચાવ્યો
નવી દિલ્હીથી ફ્રાન્સની ઉડાન ભરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનમાં ઘૂસી ગયું હતું. પીએમ મોદીનું વિમાન લગભગ 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં રહ્યું. જેના લીધે ઈસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો હતો. પાકિસ્તાનના એક સ્થાનિક મીડિયાએ આ માહિતી શેર કરી હતી. તેણે નાગરિક ઉડ્ડયન સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું કે, નવી દિલ્હીથી પેરિસની મુલાકાત દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો.
હવે ભારતની નજર વડાપ્રધાનની અમેરિકા યાત્રા પર
PM મોદી વૉશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે ડીનર લેશે
અમેરિકાના વધતા જતા ટેરીફ-ત્રાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ફ્રાન્સ યાત્રા બાદ હવે પેરિસથી અમેરિકા જવા રવાના થયા છે. શ્રી મોદી સીધા વોશિંગ્ટનમાં જ ઉતરશે. એક તરફ અમેરિકાના આ પાટનગર શહેરમાં હિમવર્ષા અને હિમ તોફાનની ચેતવણી વચ્ચે વડાપ્રધાનને વ્હાઈટ હાઉસ નજીકના બ્લેર હાઉસમાં ઉતારો અપાયો છે. અમેરિકાના પ્રમુખના મહેમાનોને અહી રહેવાની સુવિધા છે અને વ્હાઈટ હાઉસની નજીક જ છે. જયાથી આગળ વધીને વ્હાઈટહાઉસ પહોંચી શકાય છે. મોદીના આગમન સાથે જ તેઓ એક બાદ એક છ દ્વીપક્ષી બેઠકો- મંત્રણામાં વ્યસ્ત થઈ જશે. ભારતીય સમય મુજબ તેઓ આજે સાંજે વોશિંગ્ટન પહોંચશે અને બાદમાં રાત્રીના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રાઈવેટ-ડીનર લેશે જેનું અત્યંત ડિપ્લોમેટીક મહત્વ છે અને તે પુર્વે કે પછી ઓવેલ ઓફિસમાં મિડીયા સાથે વાતચીત કરશે. અમેરિકી સમય મુજબ તે બુધવારનો પ્રારંભ હશે. પરંતુ સતાવાર મંત્રણાની સાથે બન્ને નેતાઓની વન-ટુ-વન બેઠક મહત્વની બની રહેશે. ખાસ કરીને જે રીતે ટ્રમ્પે એક બાદ એક આયાતો પર ટેરીફ લાદયા છે. તેમાં ભારતને પણ આગામી દિવસમાં મોટી મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડશે. તેમાં રાહત મેળવવા મોદી કેટલા સફળ થાય છે તેના પર નજર છે. ભારત આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે નવા યુદ્ધ વિમાનો અને તેના ભારતના ઉત્પાદન માટેના સોદાની પણ રાહ જુએ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વ્હાઈટ હાઉસ કબ્જે કર્યા બાદ તેમને મળનારા વિશ્ર્વનેતાઓમાં મોદી ચોથા ક્રમે છે.