જીતુ સોમાણી સહિતના લોહાણા સમાજના આગેવાનોને ટિકિટ અપાવવા માટે એક થવા હાકલ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મોરબીના રાજપર ખાતે લોહાણા સમાજ દ્વારા મોરબીના રાજપર ખાતે રઘુવંશી ક્રાંતિમંચના નેજા હેઠળ વાંકાનેરના એકલવીર જીતુ સોમાણીના સમર્થનમાં રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ખાસ કરીને રઘુવંશી સમાજના અગ્રણીઓએ સાંસદ મોહન કુંડારિયા તેમજ ભાજપ ઉપર આડકતરી રીતે પ્રહારો કરી રઘુવંશી સમાજને અન્યાય કર્યો હોય ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો પણ ખુલ્લો પડકાર કર્યો હતો.આ મહાસંમલેનમાં લોહાણા સમાજને આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ સીટ મળે તે માટે એકત્ર થવા સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી.
- Advertisement -
આ તકે રાજ્યભરમાંથી લોહાણા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોહાણા સમાજના આગેવાન જીતુ સોમાણી દ્વારા રાજકીય આગેવાનો પર આ સંમેલનને નિષ્ફળ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ તેમની રાજકીય કારકિર્દી પણ પતાવી દેવા માટેના કાવતરા ઘડવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વાંકાનેર નગરપાલિકામાં પણ જે તે વખતે લોહાણા સમાજના પ્રમુખ બને તેવા ઉજળા સંજોગો હોવા છતાં કેટલાક રાજકીય આગેવાનો દ્વારા તેમના નામને સાઈડલાઈન કરી બીજા ઉમેદવારને ઉભા કરવામાં આવ્યા હતા તેમછતાં સભ્યોએ અપક્ષમાં રહીને પણ સમાજના મહિલાને પ્રમુખ બનાવ્યા હતા જેનો ખાર રાખી સરકાર દ્વારા તેમજ આ રાજકીય આગેવાનો દ્વારા પાલિકાને સુપરસીડ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો જીતુ સોમાણી દ્વારા કરવામાં આવ્યા હતા.
રઘુવંશી સંમેલન ન યોજાય તે માટે મોહન કુંડારિયાએ પાર્ટી પ્લોટ રદ કરાવ્યો : જીતુ સોમાણીનો સણસણતો આક્ષેપ
- Advertisement -
વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા અને મોરબીના મોટા માથા ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોરબીના કેશવ પાર્ટી પ્લોટમાં રઘુવંશી સમાજનું સંમેલન યોજાવાનું હતું પરંતુ પાર્ટી પ્લોટના માલિકો પર પ્રેસર લાવીને આ પાર્ટી પ્લોટ રદ કરાવવામાં આવ્યો હતો અને એ રઘુવંશી સમાજને ખતમ કરવાવાળા વ્યક્તિ મોહનભાઈ કુંડારીયાએ રદ કરાવ્યો છે.