રાજકારણીઓ ગમે તેટલા નિષ્ઠાવાન હોય તેમનું અંતિમ ધ્યેય તો સત્તાસ્થાને પહોંચવાનું હોય છે
તર્પણના બંગલે આમ તો સલામતીની વ્યવસ્થા ચુસ્ત રહેતી હતી પરંતુ વિવેક અને પુરૂષોત્તમ માટે બિલકુલ સખ્તી નહીં કરવાની તર્પણની સૂચના હતી
- Advertisement -
પ્રકરણ – 7
મોડી સાંજ થવા આવી હતી. સ્ટડીરૂમમાંથી બહાર આવીને તર્પણએ બહાદુરને બોલાવ્યો. ડ્રોઈંગરૂમના સોફા પર નિરાંતે બેઠા બેઠા તેણે બહાદુર પાસે જયુસ અને હળવા નાસ્તાની ફરમાઈશ કરી. બહાદુર કામે લાગે તે દરમિયાન તે પોતાનો મોબાઈલ ચેક કરવા લાગ્યો. મિસ્ડ કોલ એલર્ટમાં તેણે જોયું તો પુરૂષોત્તમના ત્રણ-ચાર ફોન હતાં અને વિવેકએ પણ એક કરતાં વધુ વખત તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. તર્પણએ પુરૂષોત્તમને ફોન જોડ્યો.
‘યસ ડીયર! તારો ફોન હતો…’ તર્પણએ કહ્યું.
‘હા! જો અનુકૂળ હોય તો હું અને વિવેક તારા ઘેર આવવા વિચારતા હતાં.’ પુરૂષોત્તમએ જવાબ આપ્યો.
‘શ્યોર. ક્યારે આવો છો.’
‘બસ. એકાદ કલાકમાં પહોંચીએ. પણ તારી તબિયત તો સારી છે ને?’
‘નથીંગ ટુ વરી. મોસ્ટ વેલકમ.’
પુરૂષોત્તમને આમંત્રણ આપી તેણે ફરી ટેલિવિઝન ઓન કર્યુ. હવે તેને ન્યૂઝ ચેનલ જોવી ન હતી. દિમાગને થોડી તાજગીની જરૂર હતી. એટલે કોમેડી શૉ જોવા લાગ્યો. થોડી ક્ષણોમાં બહાદુર નાસ્તો લઈને આવી પહોંચ્યો. ગરમા ગરમ ઉપમા, તેની ફેવરિટ આઈટમ એવી ચીઝ કેપ્સીકમની ઓપન સેન્ડવીચ અને સાથે લીચીનો જયુસ. તર્પણએ બહુ હળવા મને અને દિલથી નાસ્તાને ન્યાય આપ્યો. નાસ્તો ખતમ કર્યા પછી એ સોફા પર જરા લાંબો થયો અને આરામથી ટીવી જોતો રહ્યો. અડધોક કલાક વિત્યો હશે કે વિવેકની ગાડી ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશી. તર્પણના બંગલે આમ તો સલામતીની વ્યવસ્થા ચુસ્ત રહેતી હતી પરંતુ વિવેક અને પુરૂષોત્તમ માટે બિલકુલ સખ્તી નહીં કરવાની તર્પણની સૂચના હતી. ડ્રોઈંગરૂમમાં વિવેક અને પુરૂષોત્તમ પ્રવેશ્યાં ત્યાં તર્પણને એક સુખદ આંચકો લાગ્યો.
‘માહોલ એકદમ એકસેલન્ટ છે, જો આ વખતે તમે ન જીત્યા તો ભવિષ્યમાં પણ કયારેય નહીં જીતો, મારી આખી જિંદગીમાં મેં આવું વેવ કયારેય જોયું નથી’
- Advertisement -
કારણ કે તેમની સાથે વિવેકના પિતા ભગવતીચરણ વર્મા પણ પધાર્યા હતાં. તર્પણએ તેમને ચરણસ્પર્શ કર્યા.
‘વ્હોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ, અંકલ!’ તર્પણ બોલ્યો.
‘મિટિંગ યુ ઈઝ ઓલ્વેઝ માય પ્લેઝર.’ વર્માજીએ જવાબ આપ્યો.
વિવેક અને પુરૂષોત્તમ સાથે પણ તર્પણ બહુ પ્રેમથી ભેટ્યો. વાત આગળ ચાલે તે પહેલા જ તેણે બહાદુરને બોલાવ્યો અને ઓરેન્જ જયુસ લાવવા કહ્યું. વિવેક, પુરૂષોત્તમ અને તર્પણની ત્રિપુટી વચ્ચે ફોર્માલિટીને કોઈ અવકાશ ન હતો. એકબીજાના રસોડામાં ઘુસીને પણ તેઓ જાતે પોતાની મનગમતી વસ્તુ લઈ શકે તેમ હતાં. પણ આજે વાત અલગ હતી. ઘણાં વખતે અંકલ પણ તર્પણને ઘેર આવ્યા હતાં. આવા બહુ જુજ પ્રસંગો બન્યા હતાં. કોલેજ છોડ્યા પછી વર્માજીએ ડગલે ને પગલે તેમને આર્થિક ટેકો પુરો પાડ્યો હતો, જરૂર પડયે માર્ગદર્શન રૂપે હુંફ પણ આપી હતી અને ચડતી-પડતી કે નિરાશા-હતાશાના દૌરમાં તેમણે કયારેય આ ત્રિપુટીને રઝળતી મુકી ન હતી. નિયમિત પૈસા મોકલવામાં તેમણે હંમેશા એક પ્રકારની શિસ્ત જાળવી હતી. વર્ષો અગાઉ આપેલું વચન તેઓ ભૂલ્યા ન હતાં. જયુસ આવે એ પહેલા જ તર્પણએ વાત શરૂ કરી. ‘શું કહે છે માહોલ. શું લાગે છે પરિણામોનું. ’ તર્પણએ વર્માજીને સવાલ પૂછયો.
‘માહોલ એકદમ એકસેલન્ટ છે. જો આ વખતે તમે ન જીત્યા તો ભવિષ્યમાં પણ કયારેય નહીં જીતો. મારી આખી જિંદગીમાં મેં આવું વેવ કયારેય જોયું નથી.’
વર્માજીના જવાબથી ત્રણેય મિત્રોના ચહેરા પર આનંદ અને સ્મીતની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. રાજકારણીઓ ગમે તેટલા નિષ્ઠાવાન હોય તેમનું અંતિમ ધ્યેય તો સત્તાસ્થાને પહોંચવાનું હોય છે. જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે. માત્ર વિરોધ પક્ષમાં બેસવાથી કે બીજા-ત્રીજા નંબરની પાર્ટી બનવાથી ધારેલા કામો થઈ શકતા નથી. પોલિટિશિયનની સત્તા મેળવવાની દોટને કયારેક લોકો પણ સાવ અમથા જ વગોવી નાંખતા હોય છે. જેમ એક બિઝનેસમેનનું અંતિમ ધ્યેય નફો હોય છે તેવી જ રીતે રાજકારણીઓનું લક્ષ્ય સિંહાસન જ હોવાનું. શિક્ષક જો શાળા સુધી ન પહોંચે કે વિદ્યાર્થીઓ શિક્ષકો સુધી ન પહોંચે તો શિક્ષકની વિદ્યાનો કોઈ જ અર્થ રહી જતો નથી. હા! તુંડે તુંડે મતિ તો ભિન્ન જ હોવાની. કેટલાંક રાજકારણીઓ માટે સત્તા એ એક માધ્યમ હોય છે-ઉમદા કાર્યો કરવાનું. તો અગણિત રાજકારણીઓ માટે એ સ્વકલ્યાણનું માધ્યમ બની રહે છે.
‘મારા અંદાજ પ્રમાણે આપણને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે.’ પુરૂષોત્તમએ કહ્યું.
‘મને પણ એવું જ લાગે છે.’ વિવેકએ સૂર પુરાવ્યો.
‘ટચ વૂડ.’ તર્પણએ સામે પડેલી સાગની ટીપોઈને અડીને કહ્યું.
‘અનેક ન્યૂઝ ચેનલોના ટોપ બ્રાસ જેવા પત્રકાર મિત્રો સાથે મેં વાત કરી છે. બધાનું કહેવું એમ જ થાય છે કે લોકશક્તિ મંચ એકલા હાથે સરકાર રચી શકશે. દોસ્ત! આમ પણ કોએલિશન ગવર્મેન્ટથી દેશના લોકો થાકયા છે. દરેક મુદા પર મતભેદ પ્રગટ કરવાનો તેમનો મનમેળ ગજબનો છે. સૌ ખાવામાં ભેગા હોય છે પણ દેખાડે છે કંઈક જુદું.’ વર્માજીએ કહ્યું.
ડોલર સાથે રૂપિયાને ઉભો રાખ્યો હોય તો એવું લાગે જાણે કૃષ્ણ પાસે કોઈ સુદામા ઉભો હોય, તકલીફ એ છે કે આ કૃષ્ણ-સુદામા પાછા દોસ્ત નથી!’ પુરૂષોત્તમએ ટાપસી પુરાવી ‘મહત્વની વાત એ છે કે આવી સરકારોને લીધે દેશ માટે દિશા નકકી કરવામાં ભયંકર મુશ્કેલી પડી રહી છે. તમે તો મારા કરતાં વધારે જાણકાર છો, અંકલ! આ ઈકોનોમીની આ ચોર લોકોએ જે વલે કરી છે એ જોઈને લાગે છે કે જાણે કૌટિલ્યના આ દેશમાં અર્થશાસ્ત્ર મરી પરવાર્યુ છે. રૂપિયાની હાલત જોઈ તમે? જેટલા આ શાસકો નીચે ઉતર્યા છે તેટલો જ રૂપિયો પણ ઉતર્યો છે. ખુલ્લી બજારમાં રૂપિયો મુકયા પહેલા આપણે ભવિષ્યની સ્થિતિ વિશે વિચાર્યુ નહીં. નથી આપણે આપણી બજારો સંપૂર્ણપણે ખુલ્લી કરી શકતા કે નથી બારણા બંધ કરી શકતા. અને આવી પરિસ્થિતિ પાછળ કોઈ ગણતરી નથી એ અવઢવ માત્ર છે. ડોલર સાથે રૂપિયાને ઉભો રાખ્યો હોય તો એવું લાગે જાણે કૃષ્ણ પાસે કોઈ સુદામા ઉભો હોય. તકલીફ એ છે કે આ કૃષ્ણ-સુદામા પાછા દોસ્ત નથી!’ પુરૂષોત્તમએ ટાપસી પુરાવી.
પુરૂષોત્તમ પાટીલ સબ બંદર કા વ્યાપારી જેવો હતો. લગભગ દરેક ક્ષેત્રમાં તેનું જ્ઞાન અગાધ હતું અને પ્રતિબધ્ધતા સો ટચની. વિદેશ નીતિ અને નેશનલ સિકયુરિટી એ તેના ડોમેઈન એરિયા હતાં. પરંતુ બાકીના વિષયોમાં પણ તેની પૂરેપૂરી ચાંચ ડૂબતી હતી. બાકીના બેઉ મિત્રોની સરખામણીએ પુરૂષોત્તમ લો-પ્રોફાઈલ હતો. એટલે જ ચોતરફ તર્પણની અને વિવેકની ચર્ચા હતી.
‘સો… માય સન. જીત તો ઓલમોસ્ટ નકકી છે, કેબિનેટ કેવી હશે તે વિશે તે કંઈ વિચાર્યુ.’ વર્માજીએ તર્પણને સવાલ કર્યો.
સવાલ માત્ર કેબિનેટનો હતો. બધા જાણતા હતાં કે, વડાપ્રધાન પદ શત પ્રતિશત વિવેકના ફાળે જવાનું છે. મીડિયા પણ વિદેશ મંત્રાલય, કૃષિ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના પોર્ટફોલિયો અંગે જ ચર્ચા કરતું હતું. કારણ કે, દેશનું દરેક બચ્ચું પણ જાણતું હતું કે, તર્પણને વિવેક પર પૂર્ણ શ્રધ્ધા છે. વિવેક અને પુરૂષોત્તમએ પણ આ સત્ય સ્વીકારી લીધુ હતું. જો કે, લોકપ્રિયતાની બાબતમાં તર્પણ તેના બેઉ મિત્રોથી જોજનો આગળ હતો. પરંતુ ખુરશી પર નહીં બેસવાનો તેણે લગભગ નિર્ધાર કરી લીધો હતો.
વર્માજીની વાતનો તર્પણએ જવાબ આપ્યો. ‘અંકલ! કેટલાંક ચહેરાઓ મારા દિમાગમાં છે. પણ આ તો મુરતિયો જ જોતા પહેલા જ જાનના સત્કારનું પ્લાનીંગ કરવા જેવી વાત છે.’ તર્પણની વાત સાંભળી બધા ખડખડાટ હસી પડયા.
‘વોઝ કિડિંગ ઓન્લી… મંત્રીની ખુરશી પર ભલે ગમે તે બેસે, મેં એટલી ગાંઠ વાળી છે કે, આપણી સરકાર આવ્યા પછી દેશની સ્થિતિ પહેલા જેવી નહીં રહે. હું એમ નથી કહેતો કે રાતોરાત બધુ બદલાઈ જવાનું છે. પરંતુ હું એટલું તો પ્રોમિસ મારી જાતને આપી રહ્યો છું કે આપણે કશુંક તો બદલીશું. દોસ્તો, આપણી સંભવિત સરકાર એ આ દેશની છેલ્લી આશા છે.
વર્માજી ગયા પછી વિવેક ખૂબ ખીલ્યો હતો, જાણે કોલેજનાં એ જૂનાં દિવસો તાજા થયા હતા
આપણે જો ડિલિવર નહીં કરી શકીએ તો દરેક જાગૃત ભારતવાસીએ ડિપ્રેશનની ગોળીઓ ગળવી પડશે. લોકો સડક પર ઉતરી આવે એવા દિવસો પણ મને દૂર નથી લાગતા. ઈજિપ્ત કે સિરિયામાં પણ લોકો જો લાખોની સંખ્યામાં સડક પર ઉતરી આવતા હોય તો આપણે કંઈ આસમાનથી ટપકેલા નથી. વી હેવ ટુ ડિલિવર. આ મારો એક સુત્રનો કાર્યક્રમ છે. આ મિશન પાર પાડવા કયા ચહેરાનો કેવો ઉપયોગ થાય છે તે પછીની વાત છે. પણ નકકી માત્ર એક જ વાત છે કે જો આપણી સરકાર રચાય તો દરેક મંત્રી એક ચોકકસ ધ્યેય સાથે કામ કરતો હશે.’ તર્પણની વાત હજુ પુરી પણ થઈ નહોતી ત્યાં વર્માજી સોફા પરથી ઉભા થયા અને તર્પણની પીઠ એકદમ જોરથી થાબડી. તર્પણના માથા પર હાથ મુકી તેમણે કહ્યું, ‘આ જ નિષ્ઠા કે આ જ કમિટમેન્ટ આજથી ચાલીસ-પચાસ કે સાંઠ વર્ષ પહેલા કોઈએ દાખવ્યા હોત તો દેશની પરિસ્થિતિ આજે છે તેના કરતાં કયાંય બહેતર હોત.’
‘બસ, હવે તો સવાલ માત્ર બોંતેર કલાકનો છે. અન્કલ! બે દિવસ પછી કાઉન્ટિંગ છે, પ્રાર્થના કરો કે, આપણી સૌની મહેનત રંગ લાવે અને આપણે કંઈક એવું કરી શકીએ જેનો ઈન્તેજાર દેશને વર્ષોથી છે!’ તર્પણએ કહ્યું. વાત સાચી પણ હતી. હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયુ હતું. મતગણતરી આડે હવે બસ થોડા કલાકો બાકી હતા. બોંતેર કલાક પછી સૂર્યનું જે પ્રથમ કિરણ ભારત પર પડશે તે થોડું વધુ તેજસભર અને સોનમઢયું હશે કે એ સૂર્યોદય અગાઉના જ સૂર્યઉદય જેવો હશે એ નકકી થવાને ઝાઝી વાર નહોતી.
મોડી રાત સુધી તર્પણને ઘેર મહેફિલ ચાલી. પુરૂષોત્તમ, વિવેક અને તર્પણ આજે પુરા રંગમાં હતા. ડાયરો અધૂરો છોડીને ભગવતિચરણ વર્માએ કયારનીય ચાલતી પકડી હતી. મિત્રોને મોકળાશથી વાતો કરવા મળે એ હેતૂથી જ તેઓ સમજુ વડિલની માફક બેઠક છોડીને જતા રહ્યા હતા.
વર્માજી ગયા પછી વિવેક ખૂબ ખીલ્યો હતો. જાણે કોલેજનાં એ જૂનાં દિવસો તાજા થયા હતા. વારંવાર તેઓ નોસ્તાલ્જિયામાં સરી પડતા. અનેક મિત્રો યાદ આવી રહ્યા હતા. છેલ્લાં પાંચ-સાત દિવસમાં તર્પણ સાથે ઘણું બધું બની ગયું હતું. પરંતુ ચતુર્વેદીસાહેબની મુલાકાત પછી તેણે પુરેપુરી માનસિક સ્વસ્થતા કેળવી લીધી હતી. તર્પણનાં ઘેર જો વિવેક અને પુરૂષોત્તમ એકાદ દિવસ અગાઉ આવ્યા હોત તો તર્પણએ કદાચ તેમને બધું જ કરી દીધું હોત. પરંતુ સાહેબની મુલાકાત પછી તેની મનોસ્થિતિ અલગ હતી. એટલે જ મિત્રોને તેનાં વર્તનમાં કશું જ અજુગતું ન લાગ્યું. એક યાદગાર સાંજને ભરપૂર માણ્યા પછી તર્પણની આંખો હવે ઘેરાતી હતી. ગઈકાલની રાત્રે તેને સારી ઉંઘ આવી ન હતી અને સવારે પણ વહેલો ઉઠયો હતો. કલાકો સુધી કમ્પ્યુટરના સ્ક્રીન સામે બેઠો હતો, ઘણું વાંચ્યુ હતું. વળી હોસ્પિટલાઈઝેશન દરમિયાન પેટમાં ગયેલી ભારે દવાઓનાં કારણે આજકાલ તેનું શરીર નોર્મલ નહોતું. થાક તરત વર્તાતો હતો. ઘેર આવ્યા પછી પણ બે ટંકની દવાઓ ચાલું જ હતી. પુરૂષોત્તમ અને વિવેક ઘેર જવા ઉભા થયા. બારણા સુધી તેમને વળાવીને તેણે સૌથી પહેલું કામ રાતનો દવાનો ડોઝ લેવાનું કર્યુ. આજે તેણે વાંચ્યુ હતુ: ‘હિન્દ સ્વરાજ’માં તેણે જાતે જ કહ્યું હતું, ‘દરદ આવે તો દાકતર પાસે જવાને બદલે રામનામ લો! અસ્પતાલો તો અધોગતિની નિશાની છે!’ પોતાની જાત પર તેને હસવું આવ્યું.
ધીમા પગલે એ પોતાનાં બેડરૂમ તરફ ગયો. પોતાનાં મોબાઈલમાં જઈ તેણે સોન્ગસનું ફોલ્ડર ઓપન કર્યુ. પોતાનું ફેવરિટ આલબમ સૂર ઔર સાઝ સિલેકટ કર્યુ. હૃદયના તાર હચમચાવી નાંખે તેવું સિતારવાદન અને તેની સાથે સુજાત ખાનની ઘુંટાયેલા સ્વરે ગાયન વહેતું હતું. જો કે તર્પણને તો કોઈ ગેબી આકાશવાણીની માફક ‘વૈષ્ણવજન’ જ સંભળાઈ રહ્યું હતું. તેને કયારે ઉંઘ આવી ગઈ તે તેને ખ્યાલ ન રહ્યો.
ક્રમશ: