આ રોડ મોરબીની પ્રજા માટે નહીં પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શો માટે છે !
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતાં નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આવતીકાલે એટલે કે 20 મી ના રોજ મોરબીમાં રોડ શો કરવાના છે તે અંગેની જાહેરાત થતા જ એક તરફ મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં બેઠકનો દૌર શરૂ થઈ ગયો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ તાત્કાલિક સંગઠનની બેઠક બોલાવી પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતના હોદેદારોને તૈયારી માટે લાગી જવા સૂચના આપી હતી તો બીજી તરફ મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા રોડ શો યોજવાના છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષને ખાડાનો અનુભવ ન થાય તે માટે રાતોરાત રોડ રસ્તાનું રીપેરીંગ કામ શરૂ કરી દેવાયું છે ત્યારે આ રોડ શું માત્ર ભાજપના નેતાઓ માટે જ છે ? જેના ટેક્સથી સરકાર બને છે અને ચાલે છે તેની સુવિધાના બદલે એક નેતા માટે રોડ બનતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.