પોષણ, કાળજી અને યોગ્ય સારવાર દ્વારા સુપોષિત બનશે ગુજરાત : ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગર ખાતેથી ’પોષણ સંગમ કાર્યક્રમ’નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ’પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે. પોષણને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. બાળકોને સુપોષિત બનાવવામાં સામુહિક રીતે સમુદાયમાં સંકલિત પ્રયાસો કરવા પણ એટલા જ જરૂરી છે. યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર થકી ગુજરાતને સુપોષિત બનાવી શકાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ સંગમ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઊંચાઇ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત (SAM) બાળકો કે જેઓને સમુદાય આઘારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમમાં દાખલ કરવામાં આવશે, તેવા 6 માસથી 5 વર્ષ સુધીના બાળકોના રેકોર્ડ માટે તથા પોષણ સંગમ કાર્યક્રમમાં વાલીઓની ભાગીદારી વધે અને માતા-પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે માટે 11.15 લાખ(C-MAM)કાર્ડ તથા 11.15 લાખ બાલશકિત (પેરેન્ટ) કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે. પોષણ સંગમ (EGF+ C-MAM) કાર્યક્રમમાં F114 થનાર કામગીરીનું સારી રીતે મોનીટરીંગ થશે તેમજ રીપોર્ટીંગ સરળતાથી મળી રહે તેના માટે ગુજરાત રાજ્યમાં પોષણસંગમ એક INNOVATIVE એપ્લીકેશન બાનાવવામાં આવી છે. આ પોષણ સંગમ એપ્લીકેશન થકી બાળકોને સમયસર પોષણ, કાળજી અને યોગ્ય સારવાર આપવામાં સરળતા રહેશે. આ કાર્યક્રમમાં શિલ્પાબેન પટેલ, રીટાબેન પટેલ, પુષ્પાબેન નિનામા, જીજ્ઞાસા પંડ્યા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.