દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોરબંદર પોલીસે ઝડપી આગળની તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા વિમા પોલીસીના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી પકડી પાડવામાં પેરોલ-ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજાએ પેરોલ, ફર્લો તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડ-પોરબંદરના પો.સબ.ઈન્સ. એચ.એમ. જાડેજા તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ. કોન્સ. હરેશભાઈ સિસોદીયા તથા વજશીભાઈ વરૂને સંયુક્ત બાતમી રાહે હકીકત મળી હતી કે, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા વીમા પોલીસીના ખોટા દસ્તાવેજ બનાવવાના, આઈ.પી.સી. ક. 465, 468, 471 મુજબના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી દેવ પૃથ્વીશ જોષી હાલ મુંબઈ ખાતે છે’ આથી પોલીસે મુંબઈમાં બોરીવલી (વેસ્ટ), એસ.વી. રોડ, પુષ્પા પાર્ક, એ-33 ખાતે તપાસ કરતા આરોપી દેવ જોષી મળી આવ્યો હતો. જેણે ગુનાની કબુલાત આપતા, તેને પોરબંદર ખાતે લાવી આગળની તપાસ માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.