નગરપાલિકાએ દેવું ચુકવવા પ્રજા પર તઘલખી ટેક્સ લગાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મનપાએ દેવું ચુકવવા પ્રજા પર વધુ એક નવો ટેક્સ લગાવવાનો ઠરાવ કર્યો છે. સૌરાષ્ટ્રની અન્ય કોઈપણ મહાનગરપાલિકા જૂના વાહનોના વેચાણ પર ટેક્સ વસૂલતી નથી, પરંતુ પોરબંદર મનપા હવે આ ટેક્સ વસૂલી કરશે. નગરપાલિકાના આ નિર્ણયને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહેલા પોરબંદર નગરપાલિકા હતી ત્યારે જ નવા વાહનની ખરીદી અને જૂના વાહનના વેચાણ પર ટેક્સ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 2023ની જાન્યુઆરીમાં થયેલી જનરલ બોર્ડની બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેને બહુમતી મળ્યા બાદ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે કેટલાક સામાજિક કાર્યકરોએ આ અંગે વાંધા ઉઠાવ્યા હતા. ડિસેમ્બર 2024માં પોરબંદર મનપાના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ ફરીથી પસાર કરવામાં આવ્યો હતો. બાદમાં, રાજકોટ આર.એમ.સી. કચેરીએ પણ આ ઠરાવને મંજૂરી આપી.
- Advertisement -
મનપાના આ નિર્ણય સામે સામાજિક કાર્યકરો, વકીલો અને મહિલાઓએ કઠોર આક્ષેપ લગાવ્યા છે. મહિલા આગેવાન ડો. નૂતનબેન ગોકાણી કહે છે, “સૌરાષ્ટ્રમાં કોઈ પણ મનપા દ્વારા આવા ટેક્સ વસૂલવામાં આવતા નથી. પોરબંદર જેવા શહેરમાં, જ્યાં લોકોની આર્થિક સ્થિતિ માધ્યમ છે, ત્યાં આ પ્રકારના ટેક્સથી નાગરિકોને વધુ બોજ પડી શકે. આ નિર્ણયને તત્કાલ રદ કરવો જોઈએ.”
એડવોકેટ રાજેશ લાખાણી પણ આ નિર્ણયને ગેર વ્યાજબી ગણાવી રહ્યા છે. તેઓ કહે છે, “જૂના વાહન લે વેચ કરતા લોકોમાં મોટાભાગના મધ્યમ અને ગરીબ વર્ગના હોય છે. સરકાર અને આરટીઓએ પહેલેથી જ અન્ય ટેક્સ વસૂલતા હોય છે, હવે મનપા દ્વારા વધારાનો ટેક્સ વસૂલવો યોગ્ય નથી. આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.”
મનપાનો પક્ષ
પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના મતે, “પાલિકાને નાણાકીય વ્યવસ્થાને સુધારવી હોય છે. મનપા પર જૂના નગરપાલિકાના સમયમાં લીધેલા દેવાના બોજને ઓછું કરવા માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. મનપા દ્વારા સિટી બસ સેવા સહિતના અન્ય વિકાસ કામો પણ કરવામાં આવી રહ્યા છે, જેના માટે આવક વધારવાની જરૂર છે.”
નાગરિકોના હિતમાં નિર્ણય પાછો ખેંચવામાં આવશે?
પોરબંદરના નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જો પ્રજા અને કાર્યકરો દ્વારા આ મુદ્દે દબાણ વધશે, તો મનપા આ નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ છે કે નાગરિકોના હિતમાં આ ટેક્સ પાછો ખેંચવામાં આવશે કે નહીં.