શહેરમાં આખલાંઓનો ત્રાસ વધતા મ્યુ. કમિશનરનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં આખલાઓનો ત્રાસ વધ્યો છે ત્યારે રઘુવંશી સોસાયટીમાં રહેતા એક મહિલા ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે પાછળથી આખલાએ મહિલાને હડફેટે લઈ પછાડી દીધા હતા અને મહિલાના કમર પાસે પગ મૂકી આખલો દોડી ગયો હતો.
પોરબંદરમાં આખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રઘુવંશી સોસાયટીમાં રહેતા નીલાબેન કાનાબાર નામની મહિલા પોતાના ઘરે જમીને બહાર નીકળતા હતા ત્યારે એકાએક એક આખલો દોડીને આવ્યો હતો અને આ મહિલાને હડફેટે લેતા મહિલા ઊંધા માથે પડી ગયા હતા ત્યારે આખલાએ મહિલાના કમર પાસે પગ મૂકી દેતા મહિલાને હાથમાં તડ પડી હતી અને કમરમાં 8.5 એમએમનો હોલ પડી ગયો હતો.
આ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર કરવામાં આવી હતી. મનપા દ્વારા આખલા પકડવા તાકીદે કામગીરી કરવી જોઈએ તેવી શહેરમાં ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન આ ઘટના બાદ મનપાના કમિશનર એચ.જે.પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ આખલા પકડવા ઝુંબેશ શરૂ કરવા ખાસ સૂચના આપી હતી જેને પગલે મનપાના જગદીશ ઢાંકી ના માર્ગદર્શન હેઠળ આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરાવી રાત્રીના સમયે આખલાઓ પાંજરે પૂરવામાં આવ્યા હતા. આખલા પકડવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.
- Advertisement -
પ્રથમ દિવસે 9 આખલાં પાંજરે પુરાયા
પોરબંદર મહાનગર પાલિકા દ્વારા રાત્રીના સમયે આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરી છે ત્યારે પ્રથમ દિવસે 9 આખલાને પાંજરે પૂરી, આખલાઓને મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા છે. આ કામગીરીમાં 10નો સ્ટાફ જોડાયો હતો.