પોરબંદર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રૂ. 2472.31 લાખથી વધુના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
વિકાસ સપ્તાહ-2025 અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પોરબંદર શહેરમાં એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત આયોજનથી બિરલા હોલ ખાતે રૂ. 27 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા જળસંપત્તિ અને કલ્પસર, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ સહિતના રૂ. 292.52 લાખના 29 કામોના લોકાર્પણ તથા રૂ. 2472.31 લાખના 26 કામોના ખાતમુહૂર્ત કરાયા હતા.
પોરબંદર મહાનગરપાલિકાની ‘ઙખઈ કનેક્ટ’ મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન દ્વારા નાગરિકો પોતાના વિસ્તારોની સમસ્યાઓ, ફરિયાદો અથવા સૂચનો સીધા મહાનગરપાલિકાને આપી શકશે, જેના આધારે ત્વરિત કામગીરી થશે. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્વદેશી વિચારધારાને અપનાવી સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એકતાથી કાર્ય કરવું જોઈએ. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે વર્ષ 2005માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી, જેના કારણે શહેરોના આયોજનબદ્ધ વિકાસને નવો વેગ મળ્યો છે.
- Advertisement -
તેમણે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાતે કાયદો, સુશાસન અને વિકાસના પાયા પર દેશભરમાં આગવું સ્થાન મેળવ્યું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિક સુવિધાઓમાં વધારો થતાં મિલકતોના મૂલ્યમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક કલેક્ટર જે.બી. વદર, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.