ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્યમાં હાલ ખેડુતોને કૃષિ કાર્ય માટે ફક્ત 8 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે, જે સતત વધતી જતી પાકની પિયત જરૂરિયાતો માટે અપર્યાપ્ત છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરૂ મુલાકાતમાં દૈનિક 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો આપવાની માંગણી કરી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉલ્લેખ કર્યો કે ગુજરાતના ઘણા ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, ચોમાસાના વરસાદ બાદ કૃષિ પાકોમાં પાણીની ભારે જરૂરિયાત ઉભી થઈ છે. મગફળી અને ડાંગર જેવા પાકોને પૂરતી પિયત સુવિધા આપવા અને ભારે વરસાદ બાદ દબાયેલી જમીનને છૂટી પાડવા માટે ખેડૂતોને વધારે સમય સુધી વીજળી આપવી જરૂરી છે.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ વધુ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને તાત્કાલિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વીજ વિતરણમાં વિક્ષેપ ટાળવા અને ફોલ્ટસનું નિવારણ કરવા વધુ ટીમોને કાર્યરત કરવામાં આવશે. ખેડૂતોની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને તેઓને સતત 12 કલાક વીજળી પૂરી પાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે, અને જે સ્થાનિક વિજ કંપનીઓ સાથે મળીને વધુ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.