5 ટકા EVM -VVPAT માં 1000 મતો નાખી કરાઇ ચકાસણી: વિડીયોગ્રાફી હેઠળ EVM કમિશનિંગની કામગીરી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ઈં પોરબંદર, તા.4
પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા તા. 7 મેના રોજ યોજનાર છે. લોકસભા મતવિસ્તાર સમાવિષ્ટ 84- કુતિયાણા અને 83-પોરબંદર વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા ટીમ લીડર અને ઇજનેરો દ્વારા પૂર્ણ કરાઈ છે. પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ એવા ઇવીએમ કમિશનિંગની કામગીરી ચૂંટણી પંચના ઓથોરાઇઝડ ઇજનેર દ્વારા કરવામાં આવી છે. ઇવીએમ કમિશનિંગ એટલે મતદાન કરવા માટે EVM -VVPAT ને સુસજ્જ કરવા. નિરપક્ષ, પારદર્શક અને ક્ષતિરહિત ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે મતદાનના ગણતરીના દિવસો પૂર્વે ઈવીએમમાં કોઈ ટેકનીકલ ક્ષતિઓ છે નહીં તે ચકાસણી કરવામાં આવી છે.
- Advertisement -
પોરબંદર વિધાનસભા માટે માધવાણી કોલેજ અને કુતિયાણા વિધાનસભા માટે જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઇવીએમ- વીવીપેટની ચકાસણીની કામગીરી કરાઈ હતી. EVM -VVPAT મતદાન માટે સુસજ્જ કરાયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દરેક ઇવીએમમાં મોકપોલ યોજવામાં આવે છે. એટલે કે, પ્રત્યેક EVM -VVPAT માં વોટ નાખી ચેક કરવામાં આવે છે કે, જે કેન્ડીડેટને વોટ આપ્યો છે તેને જ વોટ મળ્યો છે. ઉપરાંત કુલ ઇવીએમના 5 ટકા ઇવીએમમાં 1000 મતો નાખવામાં આવે છે. આમ, જે ઉમેદવારોને મત અપાયા છે તેમને જ મત મળે છે. તેની ખાતરી કરાય છે. હાલ પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભામાં ઇવીએમ પ્રીપેરેશનની કામગીરી પૂર્ણ થઈ છે.



