કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે ધ્વજ વંદન: પરેડ, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
સ્વાતંત્ર સેનાનીઓ-વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રની પ્રગતિ માટે સમર્પિત થઈએ: કલેકટર એસ.ડી. ધાનાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
પોરબંદર જિલ્લામાં 76 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવી હતી. કલેક્ટર એસ.ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ધ્વજ વંદન સમારોહમાં કલેક્ટરએ ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્વાતંત્ર સેનાનીઓ શહીદો અને રાષ્ટ્ર વિભૂતિઓ ના જીવનમાંથી પ્રેરણા લઈને દેશના વિકાસ માટે- દેશની પ્રગતિ માટે હર હંમેશ કાર્યરત રહીને સમર્પિત થઈએ. મહાત્મા ગાંધી ,સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર સહિત સૌ ક્રાંતિવીરોએ બતાવેલા માર્ગે રાષ્ટ્રના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીએ અને આપણા કર્તવ્યોને પણ સમજીએ. તેઓએ કહ્યું કે ગુજરાત સાંસ્કૃતિક વિરાસત સાથે વિકાસમાં અગ્રેસર છે. વિકસિત ભારતના સંકલ્પમાં સૌ સહભાગી થઈએ. આપણે સ્વતંત્ર રીતે હરી ફરીએ છીએ. મુક્ત છીએ અને પ્રજાસત્તાક રાષ્ટ્રએ આપણું ગૌરવ છે અને તેના મૂળમાં આપણું બંધારણ છે. કલેક્ટર શ્રી એ આ તકે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સૌ મતદાન કરે તેમ જણાવી લોકશાહીનો પર્વ ઉજવવા પણ હિમાયત કરી હતી.
આ તકે કલેક્ટરએ પોરબંદર જિલ્લાની ઐતિહાસિક પ્રવાસન સાંસ્કૃતિક વિરાસતો જણાવી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ભગવાન શ્રીકૃષ્ણ સખા સુદામાની નગરી, પક્ષી વસાહતો, માધવપુર નું મહત્વ અને પોરબંદર જિલ્લાએ દેશ દુનિયામાં જે ગૌરવ વધાર્યું છે તેની વિગતો આપી હતી. કલેક્ટર એ પરેડ નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનોને તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ તકે પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પણ કલેકટર અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પ્લાટુન કમાન્ડર આર ડી ચૌહાણ અને સાંસ્કૃતિક કૃતિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ પોરબંદર ના કલાકારોને બિરદાવવામાં આવ્યા હતા. કેજીબીવી મહિયારી અને ગૌસેવા મહેર રાસ મંડળી કોટડા ની કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને યુવાઓ ને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, એસપી ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે બી વદર, એએસપી સાહીત્યા વી,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, કુતિયાણાના પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા તેમજ ડીવાયએસપી ઋતુ રાબા સહિતના પોલીસ અધિકારીઓ, શિક્ષકો વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મયોગીઓ અને જિલ્લાના તેમજ કુતિયાણાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા



