સ્કૂલ સેફ્ટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા આદેશ
વેકેશન ખુલ્યા બાદ સ્કુલ વાહન ચાલકોના ચેકીંગ દરમિયાન નિયમભંગ થશે તો કાર્યવાહી કરવા જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
પોરબંદર પોલીસ અધિક્ષક બભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના અનુસાર એ.આર.ટી.ઓ.પોરબંદર તથા જિલ્લા ટ્રાફિક પોલીસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ વાહનચાલકો સાથે એ.આર.ટી.ઓ.ની કચેરી (દેગામ) ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવામાં વપરાતી સ્કૂલ બસ તથા સ્કૂલ વર્ધીની વાનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, અને ગુજરાત સરકારના 2019 ના સ્કૂલ સેફ્ટી અંગેના પરિપત્રનુ ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. દરેક વાહનચાલકોને પોતાના વાહનમાં સ્કૂલ પરમીટ ન હોય તો વેકેશન ખુલ્લે તે પહેલાં સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી લેઇ પોતાના વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા સુચના અપાઇ હતી.
દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચૂક ફરજીયાત રાખવા તેમજ ખાનગી પાસીંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહીં વગેરે ટ્રાફિક નિયમોનું પાલન કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. વેકેશન પૂરું થતા સ્કૂલ ખૂલ્યા બાદ આર.ટી.ઓ તથા પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું સંયુક્ત ચેકીંગ કરવામાં આવશે, ત્યારે કોઈ વાહનમાં નિયમભંગ થતો હશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવ્યું હતું. આ મીટીંગમાં પોરબંદરનાં આર.ટી.ઓ.અધિકારી કે.જી.જાડેજા તથા આસી.આર.ટી.ઓ. અધિકારી ડી.એસ.બેરા, વી.એમ.વાઘેલા, પી.જી.કુરકુટીયા તેમજ ટ્રાફિક શાખા પોરબંદરના પોલીસ સબ ઈન્સ. કે.બી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.