તૂટેલા પાઇપ અને નબળી ચેમ્બરથી ગુણવત્તા પર સવાલ; કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટરો ગાયબ થતાં અકસ્માતો વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા શહેરમાં અંદાજિત ₹110 કરોડના ખર્ચે ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં શરૂઆતથી જ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત શહેરી વિકાસ કંપની મારફત ચાલતા આ કામમાં એજન્સી દ્વારા સિમેન્ટ અને ડામર રોડ તોડી પાડ્યા બાદ હલકી ગુણવત્તાના પાઇપ અને ખરાબ મટિરિયલની ચેમ્બરો બનાવવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટરના પાઇપ ફીટીંગમાં તૂટેલા પાઇપ અને ચેમ્બરમાં વપરાતી ઈંટો-સિમેન્ટનું મટિરિયલ નબળું હોવાના અનેક પુરાવાઓ હોવા છતાં જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.
વધુમાં, રોડ ખોદી નાખ્યા બાદ એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં એજન્સીના સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરો દેખાતા નથી, જેને પરિણામે ખોદકામવાળા રસ્તાઓમાં નાના બાળકો અને વૃદ્ધો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
- Advertisement -
જ્યારે નાગરિકો આ અંગે ફરિયાદ કરે છે, ત્યારે એજન્સીના કર્મચારીઓ સમસ્યા સુલટાવવાને બદલે હેરાન પરેશાન કરીને દબાવવાનો પ્રયત્ન કરે છે, અને ફરિયાદીઓને “જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો” તેવા જવાબ આપે છે. નબળી કામગીરી સામે નગરપાલિકાનું સત્તાતંત્ર પણ આંખે પટ્ટા બાંધી મુકપ્રેક્ષક બની રહ્યું હોવાના આક્ષેપો છે.



