એનેટોમી ઓફ અ સ્કેન્ડલ તમને કુંડાળાના કળણમાં ખેંચી જાય છે, મેચ્યોરિટી સાથે
ગુજરાતીમાં એક મહાવરો છે : પ્રકૃતિ અને પ્રાણ સાથે જ છૂટે. ગોરખધંધા, અનૈતિક અભિગમ, ધાર્યું કરવાના ઘમંડનો પીંડ એક્વાર બંધાય જાય પછી એ આસાનીથી પીગળતો નથી. નેટફલિક્સ પર એપ્રિલના આખરી દિવસોમાં જ સ્ટ્રીમ થયેલી વેબસિરિઝ એનેટોમી ઓફ અ સ્કેન્ડલ (કાળા કામોની દેહરચના) આ વાત નીચે ઘેરી લાલ લાઈન દોરે છે. કોઈ માણસનો પગ કુંડાળામાં પડી જાય ત્યારે એ ચેષ્ટાઓ અનેક તરંગો જન્માવતી હોય છે, એમાં ય એ વ્યક્તિ જો મોટો પદભાર ધરાવતી હોય તો અને ત્યારે પ્રતિક્રિયાઓનું વાવાઝોડું ફૂંકાઈ જતું હોય છે. બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય અને મિનિસ્ટર જેમ્સ વ્હાઈટ હાઉસ સાથે પણ આજે એવું જ બને છે. તેની સાથે કામ કરતી, પોલિટિકલ સાયન્સની એક્સપર્ટ ઓલિવિયા લિટેન તેના પર રેપ (બળાત્કાર) નો આરોપ મૂકે છે અને જેમ્સ વ્હાઈટ હાઉસની પોલિટિકલ અને અંગત લાઈફમાં પ્રચંડ ઝંઝાવાત રેલાઈ જાય છે.
- Advertisement -
સામાન્ય માણસ અને સેલિબ્રિટીના જીવનમાં સ્કેન્ડલનો રેલો આવે ત્યારે શું ફરક પડે, એ એનેટોમી ઓફ અ સ્કેન્ડલ માં બહુ સરસ રીતે ઝીલાયું છે. સામાન્ય માણસને ગલી કે મહૌલ્લાની બહાર કોઈ નામ યા ચહેરાથી પિછાણતું હોતું નથી પણ બ્રિટનના મિનિસ્ટર પર બળાત્કારનો આરોપ મૂક્વામાં આવે તો જાહેરજીવન (અને તેના કારણે વધુ) અંગત જીવનમાં હંડકંપ મચી જતો હોય છે. પત્ની સોફી સાથેના લગ્નજીવનથી બે સંતાનોના પિતા બની ચૂકેલો જેમ્સ પત્ની સમક્ષ્ા કબુલ કરી લે છે કે, પાંચેક મહિનાથી તેનો પગ લપસી ગયો હતો પણ હવે ઓલિવિયા સાથે તેણે છેડો ફાડી નાખ્યો છે. ઓલિવિયાએ આ કારણે જ પાર્લામેન્ટની લિફટમાં સહમતિથી થયેલા સેક્સને મરજી-વિરુધ્ધનો ગણાવીને બળાત્કાર થયાનો કોર્ટ કેસ ર્ક્યો છે…
જેમ્સ વ્હાઈટ હાઉસ અને ઓલિવિયા વચ્ચે સંબંધો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયા પછી (લિફટ મધ્યે) થયેલો સેક્સ સંબંધ આપસી સહમતિ સાથેનો હતો કે ઓલિવિયાના ઈન્કારની અવગણના કરીને થયેલો એક બળાત્કાર હતો બેશક, એનેટોમી ઓફ અ સ્કેન્ડલ એક પોલિટિકલ થ્રિલર કમ કોર્ટ રૂમ ડ્રામા છે પણ એ તમને સતત અમિતાભ-તાપસી પન્નુની ફિલ્મ પિન્કનું સ્મરણ કરાવતી રહે છે. નો મીન્સ નો. સ્ત્રીની ના પછી થયેલો શરીર સંબંધ બળજબરી યા બળાત્કાર જ છે પરંતુ સેક્સ સમયે સ્ત્રીએ પોતાની અનિચ્છા વ્યક્ત કરી છે કે કરી જ નહોતી – એ સાબિત કેવી રીતે થઈ શકે ? લિફટમાં તો જેમ્સ અને ઓલિવિયા, બે જ હતા. મજાની વાત એ છે કે જેમ્સ અને ઓલિવિયા વચ્ચે પાંચ મહિનાથી અફેર ચાલતો હતો અને એ દરમિયાન તો બન્ને જેમ્સની ઓફિસ, લોબી અને હોટેલમાં પણ સેક્સ એન્જોય કરી ચૂક્યા હતા. એ પછી જેમ્સે ઓલિવિયા સાથે બે્રકઅપ જાહેર ર્ક્યું તો શું ઓલિવિયા અણગમતાં બે્રકઅપનો રિવેન્જ લેવા માટે બળાત્કારનો આરોપ મૂક્તી હતી ? ખુદ પોતાનો મિનિસ્ટર બળાત્કારના (અને અફેરના) આરોપમાં ઘેરાયો છે છતાં બ્રિટીશ વડાપ્રધાન કેમ તેની સાથેનો છેડો ફાડતાં નથી ? કોર્ટમાં કેસ શરૂ થયા પછી જેમ્સ વ્હાઈટ હાઉસની મિનિસ્ટર પદેથી હકાલપટૃી કરવામાં આવે છે છતાં પાર્ટી લેવલે વડાપ્રધાન તેને સપોર્ટ કરે છે, એ ખુદ તેના પોલિટિકલ એડવાઈઝરના ગળે પણ ઉતરતું નથી.
ના એટલે ના. મુો ભલે પિન્ક ફિલ્મ જેવો જ હોય પરંતુ એ સ્વીકારવું રહ્યું કે એનેટોમી ઓફ અ સ્કેન્ડલ માં આ વાત વધુ મેચ્યોર્ડ રીતે દર્શાવવામાં આવી છે. બળાત્કાર પહેલાં, એ વખતે અને પછીનું વર્ણન આ વેબસિરિઝને એડલ્ટ ક્ધટેન્ટમાં મૂકી દે તેવું છે છતાં પોણી સિરિઝ સુધી પ્રેક્ષ્ાક પણ નક્કી નથી કરી શક્તો કે જેમ્સ ખોટો છે કે ઓલિવિયા સાચી છે… આવા ગંભીર આરોપ પછી જો પત્ની સોફી બાળકો સાથે પોતાને છોડીને ચાલી જાય તો પોલિટિકલ કેરિયર ખતમ થઈ જાય અને લોકો પોતાને જ દોષી માની લે, એ જાણતો જેમ્સ પત્ની સોફીને તો ખાત્રી કરાવી દે છે કે તેનો અફેર માત્ર શારીરિક સંતોષ માટે જ હતો… પ્રેમ તો એ સોફીને જ કરી રહ્યો છે…
- Advertisement -
એનેટોમી ઓફ અ સ્કેન્ડલ માં જેમ્સ (રૂપર્ટ ફ્રેન્ડ), સોફી (સિસેના મિલર) અને ઓલિવિયા (નિયોમી સ્કોટ) પછી ચોથું વજનદાર પાત્ર કેટ વુડક્રોફટનું છે. એ સરકારી વકીલ છે અને ઓલિવિયા વતી કેસ લડીને જેમ્સને બળાત્કારી પૂરવાર કરવા માટે સતત અને સખત મહેનત કરે છે. સરકારી વકીલનું આ પાત્ર મિસેલ ડોકેરોએ ભજવ્યું છે. સારાહ વોગનની બુક પરથી બનેલી એનેટોમી ઓફ અ સ્કેન્ડલ ની દિગ્દર્શિકા એસ. જે. કલાર્કસન (ધ ડિફેન્ડર, લાઈફ ઓન માર્સ, જેસિકા જોન્સ) એ એક ડેલિકેટ વિષયને અત્યંત મેચ્યોર્ડ ખુબસુરતીથી પરદા પર ઉતાર્યો છે. દેખીતી સ્ટોરીલાઈન તો સહમતિથી સેક્સ કે બળાત્કારની છે પરંતુ આ પ્રશ્નાર્થો પાછળના સત્યો, ભેદભરમ અને તેના પડછાયાં તેમજ કુંડાળાને એવી બારિકથી ખોલ્યાં છે કે, સિરિઝની છેલ્લી પાંચ મિનિટે જ તમને એક અગત્યના સવાલનો જવાબ મળે છે.
સિરિયસ ક્સિમનું મનોરંજક થ્રિલર જોવાની તડપ હોય તો એનેટોમી ઓફ અ સ્કેન્ડલ જોઈ લેવી. હિન્દીમાં પણ છે.
ડિયર ફાધર : જસ્ટ ટાઈમપાસ
ઉતમ નાટક પરથી સર્વાંગ સુંદર અને સફળ ફિલ્મ બનાવી શકાતી નથી, એ પરેશ રાવલના કિસ્સામાં બીજી વખત સાબિત થયું. પહેલાં મહારથી ફિલ્મ હતી અને આ વખતે ડિયર ફાધર ફિલ્મ છે. બન્ને નાટકના લેખક ઉતમ ગડા જ છે. રિટાયર્ડ પિતાને વધારાના સામાન યા ફર્નિચરની જેમ માનતા પુત્ર-પુત્રવધુની આસપાસ ડિયર ફાધર ફિલ્મ ચકરાવા લે છે અને વરસે પાંચ જ ફિલ્મ જોનાર દર્શક પણ ધારી લે તેવા વળવળાંક અને અંત ધરાવતી ડિયર ફાધર ફિલ્મનું એકમાત્ર આશ્વાસન ખુદ પરેશ રાવલ છે. અહીં પિતા અને તપાસ અધિકારી પણ પરેશ રાવલ છે એટલે અભિનયના ઓજસ તો પથરાયાં જ છે પણ…
ડિયર ફાધર જેવી ઈનડોર થાય કે તરત તમને પરદા પર નાટક ચાલતું હોય તેવું લાગવા માંડે છે. આદિત્ય (પરેશ) રાવલના ડાયલોગમાં બેશક ચમકારા જરૂર છે. પરેશભાઈ રાવલની અભિનય ક્ષ્ામતા તો સૂર્યપ્રકાશ જેવી જ છે પરંતુ એ પ્રકાશનું અજવાળું ગુજરાતી ફિલ્મોને ઉજાળે તેવી વધુ ફિલ્મ પરેશભાઈએ કરવાની જરૂર છે પણ મણ મણનો સવાલ એ છે કે… આ ભૂદેવ એવો ખોટનો ધંધો કરશે ખરા ?