જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 1,03,330 બાળકોને તા.27 મી ફેબ્રુઆરી-2022ને રવિવારના રાઉન્ડ દરમ્યાન દરેક ગામે પોલિયોના કુલ 768 બુથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવનાર છે.
તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને 29 મોબાઇલ બુથ દ્વારા અને રેલ્વેસ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ 37 ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને પોલિયોની રસી પીવડાવી 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસી પીવડાવવાનું કલેકટર રચિત રાજ અને મિરાંત પરીખ જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 525-આરોગ્ય કર્મચારી, 704-આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, 1003-આશા કાર્યકર બહેનો તથા 154-અન્ય સ્વયંસેવકો મળી કુલ-2386 કર્મચારીઓની ટીમો બનાવી પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનું સુપરવિઝન 117-ઝોનલ સુપરવાઇઝઓ કરશે અને તમામ કામગીરીનું લાઇઝનીંગ જિલ્લાના વર્ગ-1 ના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
આ પોલિયો રસીકરણ અભિયાનનાં રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર આપના વહાલસોયા બાળકને લઇ જઇ પોલિયોની રસી અચુક પીવડાવી બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ અપાવવા તમામ બાળકના માતા-પિતા, વાલીને અનુરોધ કરવામાં આવે છે. આપના બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ આપના બાળક્ને આ દિવસે ફરીથી પોલિયોની રસી અચુક પીવડાવો, તેમજ આ ભગીરથ કાર્યમાં ગામ આગેવાનઓ, પદાધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓએ યોગ્ય સહકાર આપવા ડો.સી.એ.મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,અને ડો.એમ.આર.સુતરીયા, જિલ્લા આર.સી.એચ. અધિકારી, જિલ્લા પંચાયત, જુનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.