મોરબીમાં બુલેટ લઈને નીકળતા ઈસમો પર પોલીસની તવાઈ : 25 બુલેટ કર્યા ડિટેઈન
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં મોડીફાઈડ કરેલા સાયલેન્સર વાળા બુલેટ લઈને સીનસપાટા નાખવાનો જાણે ઘણા યુવકોમાં ટ્રેન્ડ હોય તેમ આવા અવાજનું પ્રદુષણ ફેલાવતાં વાહન ચાલકોથી સામાન્ય જનતાં પરેશાન થઈ ઉઠી છે ત્યારે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશથી મોરબીમાં પોલીસ ટીમોએ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું અને 25 જેટલા બુલેટ ડિટેઈન કરવામાં આવ્યા હતા.
- Advertisement -
મોરબીના અલગ અલગ વિસ્તારોમાં કેટલાક આવારા તત્વો બુલેટ બાઈક મોડીફાય કરાવી તેમાં પ્રતિબંધિત વધુ અવાજ કરતા સાઈલેન્સર લગાવીને આંટાફેરા કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના આદેશથી મોરબી જિલ્લાના એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટ્રાફિક શાખા તથા એલસીબી, એસઓજીની ટીમોએ પૂરપાટ ઝડપે મોટા અવાજ સાથે વાહન હંકારતા તેમજ નિયમોનો ભંગ કરતાં બુલેટચાલકો પર ધોસ બોલાવી હતી જેમાં પોલીસે સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટચાલકો સામે એમવી એક્ટ 207 મુજબ કાર્યવાહી કરીને 25 બુલેટ ડિટેઈન કર્યા હતા. આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા કાર ચાલકો પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી.મોરબીમાં વાહન ચાલકો પર તવાઈ બોલાવી નિયમ ભંગ કરતા લોકોને અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ પોલીસે પણ આવી કાર્યવાહી કરવી જરૂરી
મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલી મોડીફાઇડ બૂલેટ ડિટેઇનથી કામગીરીથી મોરબી શહેરમાં લોકોમાં હાશકારો અને સીનસપાટા નાખતા લોકોમાં દેકારો મચી જવા પામ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાંથી પણ નાગરિકોની ઘણા સમયથી માંગ ઉઠી છે કે, રાજકોટ પોલીસ દ્વારા પણ પુરપાટ ઝડપે અને મોટા અવાજ સાથે નીકળનારા સીન નાખતા લોકોના સીન વીખવા જરૂરી બન્યું છે. તો રાજકોટ પોલીસ પણ મોરબી પોલીસની આ કાર્યવાહીમાંથી થોડી પ્રેરણા લે તે ઇચ્છનીય છે.