ખાસ-ખબર સંવાદદાતા
મધ્યપ્રદેશથી મોરબીની બસમાં આવેલ 8 વર્ષીય બાળક ભૂલથી નીચી માંડલ ગામે ઉતરી જતા ભૂલો પડી ગયો હતો. આ મામલે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસની ટીમે બાળકના મામાને શોધી કાઢીને તેને બાળક સોંપી દીધો છે.
મોરબી તાલુકાના નીંચી માંડલ ગામના સરપંચ પ્રદિપભાઇ કુંડારીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટેલીફોનથી જાણ કરી હતી કે, એક નાનો બાળક નીંચી માંડલ ગામ ખાતે બસમાંથી ઉતરી ગયેલ હોય અને ભુલો પડેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જશપાલસિંહ જાડેજા સહિતની ટીમે ત્યાં જઈને બાળકની પુછપરછ કરતા બાળકનુ નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા (ઉં.વ. 08, રહે. રામપુર ગામ, તા. રાણાપુર, જી. જામ્બુવા, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. બાળકે જણાવેલ સરનામે તપાસ કરતા બાળકના સગા મામા હાલ ખોડાપીપર ગામ, તા. પડધરી, જી. રાજકોટ ખાતે ખેતી કામ કરતા હોય જેઓનો સંપર્ક કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોરને બોલાવી તેને બાળક સોંપવામાં આવ્યો હતો. આ બાળકના સંબધી તેને શોધતા હોય જે હેમખેમ મળી જતા પોલીસે અને બાળકના પરિવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધેલ હતો. આમ, વિજયને પોતાના સગા મામા સાથે મિલન કરાવીને મોરબી તાલુકા પોલીસે માનવાતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ભૂલા પડેલા પરપ્રાંતીય બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
