જુદા જુદા સાત દરોડામાં રોકડ અને વાહનો સહિત કુલ 1.63 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
મોરબી અને વાંકાનેર પોલીસ દ્વારા જુગારની બદી ડામવા માટે વિવિધ વિસ્તારોમાં સાત મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કુલ 29 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી રોકડ તથા વાહનો સહિત ₹1.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મોરબીમાં દરોડા: તુલસીવૃંદ એપાર્ટમેન્ટના બ્લોક નં. 702 માંથી પોલીસે દરોડો પાડીને દિનેશભાઈ ઓગણજા સહિત 8 જુગારીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹5,160ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
- Advertisement -
બીજા દરોડામાં, ગાયત્રીનગરની શેરી નં. 2-3 વચ્ચેથી પોલીસે ઇલાબેન વ્યાસ સહિત 7 મહિલા જુગારીઓને ઝડપીને ₹2,300ની રોકડ જપ્ત કરી હતી.
લજાઈ હડમતીયા રોડ પર આવેલ જીઆઈડીસીમાં હરેશ દલવાડિયાના ગોડાઉનમાં જુગાર રમી રહેલા 6 જુગારીઓને ઝડપી લઈને ₹75,200ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વાંકાનેરમાં દરોડા: વેલનાથપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ભરત દેલવાડિયા અને વિમલ સોલંકીને ₹2,510ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
સિટી સ્ટેશન રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ બાંભણીયા અને સુરેશ બાંભણીયાને ₹2,570ની રોકડ સાથે પકડવામાં આવ્યા હતા.
વાંકાનેરના હસનપર ગામેથી એલસીબી ટીમે નરેશ કટવાણા સહિત ત્રણ જુગારીઓને ₹14,600ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
સમથેરવા ગામે તાલુકા પોલીસે દરોડો પાડીને વશરામ સેટાણીયા સહિત ત્રણ જુગારીઓને ₹6,420ની રોકડ અને બે બાઈક સહિત કુલ ₹56,420ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. આ દરોડામાં બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.
આ તમામ દરોડામાં પોલીસે કુલ 29 જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.