ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર પંથકમાં વીજચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અગાઉ રાજાવડલા ગામમાં 1 કરોડની વીજચોરી વડોદરાની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી હતી તો ગુરુવારે ફરીથી વીજતંત્રએ ચેકિંગ કર્યું હતું જેમાં પંચાસીયા ગામ નજીક આવેલ એક પેઢી દ્વારા કરાતી વીજચોરી ઝડપી લેવામાં આવી છે. વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા નાયબ ઈજનેરને સાથે રાખી વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પીજીવીસીએલના અંતરિયાળ ઓદ્યોગિક વીજજોડાણ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પટેલ ફ્યુઅલ નામની ફેકટરીમાં ચેકિંગ રેઈડ કરવામાં આવતા 90 હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરીને કરવામાં આવતા વીજચોરી ઝડપી લેવામાં આવી હતી અને વીજચોરી બદલ વાંકાનેર નાયબ ઈજનેર દ્વારા ફેક્ટરીને 80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
હાલ પકડાયેલ વીજચોરીમાં સ્થાનિક કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ તેની પણ વીજ તંત્રની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.