પોરબંદર જિલ્લાના ખાપટ વિસ્તારમાં સામત રબારી અને મિતેશ ભુવા એન્ડ કંપની દ્વારા થતી દારૂની રેલમછેલ રોકવા મુખ્યમંત્રીથી લઈને એસપી સુધીના સ્થાનો પર રજૂઆત
ભાજપના ખાપટ વિસ્તારના કાઉન્સિલર લખમણ ઓડેદરાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.10
પોરબંદરના ખાપટ વિસ્તારમાં થાણા અધિકારીને બદલે છાણા અધિકારી નીમાતા હોય તેવો માહોલ છે અને દારૂની રેલમછેલ છે ત્યારે ખાપટના સામત રબારી અને મિતેશ શશીકાંત ભુવા, તેમજ તેમના અનેક મળતીયાઓ સામે પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નંબર 2 એટલે કે ખાપટ વિસ્તારના કાઉન્સિલર લખમણભાઈ મુંજાભાઈ ઓડેદરાએ તેમના બુટલેગર તરીકેના અનેકવિધ ત્રાસ મામલે રજૂઆત કરી છે. રજૂઆત પોરબંદર એસપી અને અન્ય અનેક ઉચ્ચ સ્થાનોએ થઈ છે. આ રજૂઆતમાં ખોલવામાં આવેલી સ્ફોટક અથવા તો વિસ્ફોટક વિગતોથી પોરબંદરના પોલીસ અધિકારીઓ શરમથી પાણી પાણી થઈ ગયા છે.રજૂઆતમાં જણાવવા અનુસાર ખાપટના તમામ વિસ્તારમાં ગલી મહોલ્લામાં તેઓ દેશી વિદેશી દારૂ બેરોકટોક વેચે છે. આ તમામ કૃત્યો અનેક વખત રજૂઆતો કરેલ છે.
આ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ/કર્મચારીઓ ખૂબજ મોટા પ્રમાણમાં હપ્તાઓ સામાવાળાઓ પાસેથી ઉઘરાવે છે. રજૂઆતમાં કાઉન્સિલરનું કહેવું એમ કે, પોરબંદરમાં જેટલો દારૂ વેચાય છે તેના કરતા પણ વધુ દારૂ આ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નીચે આવતા વિસ્તારોમાં વેચાય છે. કાઉન્સિલર ની માંગણી છે કે, સામાવાળો તેમજ તેમના મળતીયાઓને સખ્ત માં સખ્ત સજા કરવામાં આવે અને તેમની ઉપર ગુનાઓ દાખલ કરી, તેઓને તડીપાર કરવામાં આવે તો જ આ વિસ્તારના લોકો સુખ:શાંતીથી રહી શકશે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અનેક પી.એસ. આઈ.ઓની બદલી થયેલ છે. પરંતુ કોઈ પ્રમાણિક અને કાયદાનુ સખ્ત રીતે ભાન કરાવે તેવો અધિકારીની પોસ્ટીંગ થતી નથી, જેથી બાહોશ અને પ્રમાણીક અને નીડર અધિકારીની નિમણુક થાય તેવી પણ માંગણી છે. આ રજૂઆત મુખ્યમંત્રી, આઈજી, ડીઆઈજી, કલેકટર, ડીવાયએસપી અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ, ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા અને ઉદ્યોગનગર થાણા અધિકારી સુધીના સ્થાનો ઉપર પણ થઈ છે.