અડિયાલા જેલ પ્રશાસન સુરક્ષાનું કારણ આપીને મુલાકાત અટકાવે છે; સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ ફેલાઈ
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.27
- Advertisement -
પાકિસ્તાનની અડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુલાકાત લેવાના તેમના પરિવારના એક વર્ષથી ચાલી રહેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જેલ પ્રશાસન દરેક વખતે સુરક્ષા કારણોનો હવાલો આપીને મુલાકાત અટકાવી રહ્યું છે, જેના વિરોધમાં મંગળવારે રાત્રે ઇમરાન ખાનની બહેનોએ જેલની બહાર ધરણાં કર્યા હતા. ઇમરાન ખાનની બહેનો અલીમા ખાન, નોરીન નિયાઝી અને ડો. ઉઝમા ખાન સમર્થકો સાથે જેલની બહાર શાંતિપૂર્ણ વિરોધ પર બેઠી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબ પોલીસે અંધારું કરીને તેમના પર લાઠીચાર્જ કર્યો. 71 વર્ષીય નોરીન ખાને દાવો કર્યો કે તેમને વાળથી પકડીને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા અને અન્ય મહિલાઓ સાથે પણ મારપીટ થઈ હતી. માર્ચ 2025માં ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઇમરાન ખાનને પરિવાર અને વકીલો સાથે નિયમિત મુલાકાતની મંજૂરી આપી હતી. ઓક્ટોબર 2025માં કોર્ટે ફરીથી મુલાકાતો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં, જેલ પ્રશાસન આ આદેશોનું સતત પાલન કરી રહ્યું નથી. ગયા અઠવાડિયે પણ રાવલપિંડી પોલીસે ઇમરાનની બહેનો સાથે દુવ્ર્યવહાર કરી તેમને બળજબરીથી કસ્ટડીમાં લીધી હતી. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનના મૃત્યુની અને તેમને ગુપ્ત સ્થળે ખસેડવાની અફવાઓ ફેલાઈ હતી, જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઇમરાન ખાનની પાર્ટી ઙઝઈં એ આ ઘટનાને વખોડી કાઢી છે.



