અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગત
ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો થયો છે. ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે.
- Advertisement -
ગરબાના આયોજન સ્થળે પુરુષ મહિલા સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત
આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.
પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન જારી કરી
ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે.