જિલ્લા પોલીસ વડાના આદેશથી સુષુપ્ત અવસ્થામાં પડેલી પોલીસ સક્રિય થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની સિઝન શરૂ થાય તે પૂર્વે જ પોલીસની સક્રિય ભૂમિકા જોવા મળી છે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા ખાતે ચાલતા કોલસાનું ગેરકાયદેસર ખનન પર ડીજીના આદેશથી પોલીસ કર્મચારીઓને ખનિજની ખાણો સુધી જવાની પાબંધી હતી. જેના લીધે કોલસાની ખાણો ચાલતા વિસ્તારોની પોલીસ ગેરકાયદેસર ખનન બાબતે કોઈ કાર્યવાહી થતી નહીં પરંતુ હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ દ્વારા ચાર્જ સંભાળતા હવે જિલ્લાની તમામ પોલીસને ખનીજના ખનન પર દરોડા કરવાની સૂચના આપી હોવાનું સામે આવ્યું છે.
જેને લઇ બુધવારે મોડી રાત્રે મૂળી પોલીસ મથકના પીઆઇ પી.બી. લક્કડ સહિતના સ્ટાફ દ્વારા મુળી તાલુકાના ભેટ ગામે ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા કર્યા હતા આ દરોડામાં કુલ દાઢ જેટલી ગેરકાયદેસર ખાણો પરથી દશ નંગ ચરખી, વીસ નંગ પાઇપ, એક બાઈક, ત્રણ અંગ ટ્રેક્ટર અને કોમ્પ્રેસર તથા કોલસાના જથ્થા સહિત 19 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ સાથે ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર મનસુખભાઈ સોમાભાઈ, દિનેશભાઇ ધોરીયા, વિરમભાઇ છનાભાઈ છાપરા, સુરેશભાઈ કાળુભાઇ દૂધરેજીયા, અરવિંદભાઈ ધીરુભાઈ દૂમડીયા, મેરુભાઈ ભલાભાઈ સાપરા, જનકભાઈ શિવાભાઈ ગાંગડિયા, ખોડાભાઇ વાલજીભાઈ શિયાળ તથા ભરતભાઈ બાબુભાઈ દુમાડીયા સહિતનાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ ગુરુવારે વહેલી સવારે સાયલા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ ડી.ડી.ચુડાસમા સહિતના સ્ટાફે ચોરવિરા ગામે ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી જવા પામી હતી જે દરમિયાન પોલીસે કોલસાની કુલ 13 ગેરકાયદે કોલસાની ખાણો પરથી 7 ટ્રેક્ટર કોમ્પ્રેસર, એક ટ્રેકટર જનરેટર એમ કુલ 8 ટ્રેક્ટર ઝડપી લઇ 35 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રકારે કોલસાના ગેરકાયદેસર ખનન વિસ્તારમાં અચાનક સ્થાનિક પોલીસની ખનિજ પર દરોડા કરી સક્રિય ભૂમિકા દર્શાવતા ખનિજ માફિયાઓની આગામી સિઝન અને ભવિષ્ય નુકશાન દાયક નીવડે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.



