રૂ. 12 લાખની ખનીજચોરી મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ખરાબાની જમીનમાં બેફામપણે ખનીજચોરી ચાલતી હોય જે બાબતે સરકારી જમીનમાંથી 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા થાનગઢ ગામના આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં આરોપીએ દંડની રકમ ન ભરતા અંતે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. મોરબી ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રવીભાઇ કિશોરભાઇ કણસાગરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે વેલાભાઇ નારણભાઇ સાટીયા (રહે. મોરથળા તા. થાનગઢ) તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં આરોપીઓ દ્વારા વાંકાનેર તાલુકાના જીવાપર નેસ, લુણસર સર્વે નં. 783/1 પૈકીની સરકારી પડતર જગ્યામાં એસ્કેવેટર મશીન નં. ઇંઢગઉગ633ઊંઊ0005550 ના વાહનથી ગેરકાયદેસર કોઈ પાસ પરમીટ કે લીઝ મંજૂરી વગર ખોદકામ કરી ખનીજ ચોરી 3778.89 મેટ્રીક ટન તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ. 12,28,804 ની ખનીજ ચોરી કરી હોય જેથી નિયમ મુજબ દંડ ફટકારી સમય આપવા છતાં દંડની રકમ નહીં ભરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.