પરંપરાગત અધિકારો છીનવી લેવા અને પ્રવેશબંધી કરવા બદલ વહીવટી અધિકારી સહિત 6 સામે ગુનો: યજમાનવૃત્તિ પર પ્રતિબંધથી બ્રાહ્મણ પરિવારો મુશ્કેલીમાં: આજીવિકા છીનવાતા રોષ
મંદિરની 40% આવક પર નિર્ભર પરિવારો આર્થિક સંકટમાં; ટ્રસ્ટીઓએ સત્તાનો દુરુપયોગ કર્યાનો દાવો: સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ નિવેદનોનો વિવાદ: આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી
- Advertisement -
(અહેવાલ બુધાભા ભાટી) ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
બેટ દ્વારકાધીશ મંદિરના વહીવટી અધિકારી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બ્રાહ્મણ જ્ઞાતિની માનહાનિ કરવા અને તેમના પરંપરાગત અધિકારો છીનવી લેવા અંગેની એક ગંભીર પોલીસ ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ફરિયાદ ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત અને પેઢી દર પેઢી યજમાનવૃતિ સાથે જોડાયેલા ભગવતપ્રસાદ જયંતિલાલ પાઢ દ્વારા કરવામાં આવી છે. ફરિયાદમાં મંદિરના વહીવટી અધિકારી મયુરસિંહ વાળા, ઉપપ્રમુખ સમીરભાઈ પટેલ અને અન્ય ચાર સ્થાનિક ટ્રસ્ટીઓ – હેમંતસિંહ વાઢેર, ધનજીભાઈ કોઠીયા, કાંતિલાલ પટ્ટ અને પ્રમોદરાય ભટ્ટને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદની વિગતવાર હકીકત મુજબ, બેટ દ્વારકાધીશ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અને મંદિરના બંધારણ અનુસાર, મંદિરની ઉપજ કે આવકનો ચાલીસ ટકા હિસ્સો બ્રાહ્મણ જ્ઞાતિના ફાળે જાય છે. આ હિસ્સા પર જ અનેક બ્રાહ્મણ પરિવારોનું ગુજરાન અને રોજીરોટી નિર્ભર છે. જોકે, તાજેતરમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયા બાદ મંદિરમાં યાત્રાળુઓનો પ્રવાહ ખૂબ વધી ગયો છે. આ નવી પરિસ્થિતિનો ગેરલાભ લઈને આરોપીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ શરૂ કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ગત 25 ડિસેમ્બર 2025ના રોજ નાતાલના તહેવારોમાં ભીડ વધવાનું બહાનું બતાવી આરોપીઓએ બ્રાહ્મણોને મંદિરમાં પ્રવેશતા અટકાવી દીધા હતા. છેલ્લા પચ્ચીસ દિવસથી બ્રાહ્મણોને મંદિરમાં જઈને પોતાની ધાર્મિક વિધિઓ કે યજમાનવૃતિ કરવા દેવામાં આવતી નથી, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. આ કેસમાં સૌથી વધુ વિવાદિત બાબત આરોપીઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓ પૈકીના પ્રમોદરાય ભટ્ટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ચેનલોમાં ઇન્ટરવ્યુ આપીને સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવા નિવેદનો કર્યા હતા કે બ્રાહ્મણો મંદિરમાં આવીને ’ધંધો’ કરે છે અને યાત્રાળુઓને હેરાન કરે છે. વધુમાં, એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બ્રાહ્મણો પરનો આ પ્રતિબંધ જિલ્લા પોલીસ વડા (ઉજઙ) ની સૂચનાથી લાદવામાં આવ્યો છે. ફરિયાદીએ આ બાબતે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઉજઙ સાહેબ દ્વારા આવો કોઈ હુકમ કરવામાં આવ્યો નથી. આમ, આરોપીઓએ પોલીસ તંત્રના નામે ખોટા મેસેજ વહેતા કરીને શ્રદ્ધાળુઓ અને યજમાનોમાં બ્રાહ્મણ જ્ઞાતિ પ્રત્યે અણગમો અને તિરસ્કાર પેદા કરવાનું કામ કર્યું છે, જે કાયદેસરની માનહાનિ સમાન છે. ફરિયાદીએ આ હેરાનગતિ પાછળનું એક મહત્વનું કારણ જૂની અદાવત પણ ગણાવ્યું છે. ફરિયાદી અને અન્ય જાગૃત નાગરિકોએ અગાઉ આ આરોપીઓ દ્વારા બેટ ગામની સરકારી જમીન (સર્વે નંબર 59 અને 21 પૈકી-1) પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ મામલતદાર અને કલેક્ટરને વકીલ મારફતે નોટિસ આપી હતી. આ કાયદાકીય લડતનો બદલો લેવા માટે અને બ્રાહ્મણોને દબાણમાં લાવવા માટે આરોપીઓ દ્વારા મંદિરમાં પ્રવેશબંધી જેવી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ફરિયાદમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. પુરાવા તરીકે ફરિયાદીએ મંદિરના પૂર્વ તરફના દરવાજાના સીસીટીવી ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રમોદરાય ભટ્ટના વિવાદાસ્પદ વીડિયો અને નિવેદનો રજૂ કર્યા છે. ફરિયાદીએ અંતમાં માંગ કરી છે કે આ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને બ્રાહ્મણોની આજીવિકા છીનવી લીધી છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે, તેથી તેમની સામે કડક કાયદાકીય તપાસ કરી ન્યાય આપવામાં આવે. આ ફરિયાદ 2 જાન્યુઆરી 2026ના રોજ પોલીસ ચોપડે ચડી છે અને સમગ્ર દ્વારકા પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.



