મહારાષ્ટ્રની પુણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની અટકાયત કરી છે. આ સાથે આ હત્યાકાંડમાં સામેલ એક શંકાસ્પદ જાધવના સાથીની પણ ધરપકડ કરી હતી. આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) કુલવંતકુમાર સારંગલ સોમવારે (આજે) આ અંગે મીડિયાને ધરપકડ અંગે વિસ્તૃત વિગતો આપે તેવી શક્યતા છે.
- Advertisement -
પોલીસે જણાવ્યું કે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય જાધવને 2021 માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે એક વર્ષથી ફરાર હતો. મુસેવાલા હત્યાકાંડમાં તેમનું અને નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યું હતું.
જાધવને શોધવા પુણે પોલીસે બે ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી
પુણે ગ્રામીણ પોલીસે તેમની શોધખોળ કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી અને 2021 ની હત્યા પછી જાધવને આશ્રય આપવાના આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પણ ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે મંચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકા કેસમાં પુણે ગ્રામીણ પોલીસે બિશ્નોઇ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી. પટકથા લેખક સલીમ ખાન અને તેના અભિનેતા પુત્ર સલમાન ખાનને લખેલા ધમકીભર્યા પત્રના સંદર્ભમાં પણ મુંબઈ પોલીસે મહાકાલની પૂછપરછ કરી હતી. જાધવને શોધી કાઢવા માટે પુણે પોલીસે ગયા અઠવાડિયે અનેક ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી.