અધિકારીઓ મકાન ખાલી કરાવવા ગયા ત્યારે પણ એક શખ્સ નશામાં ધૂત થઈને આરામ ફરમાવતો નજરે પડ્યો હતો
ટૂંક સમયમાં જ તમામ કાટમાળ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવાની રહેવાસીઓને આપી બાંહેધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલ રેફ્યુજી કોલોનીના લગભગ તમામ મકાનો સરકાર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા પરંતુ એક મકાનમાં સુપ્રીમ કોર્ટનો કબ્જો હોવા છતાં ખાલી નહિ કરવામાં આવતા હોવાનો અને અહીં દારૂડિયાઓ-ગંજેરીઓનો અડ્ડો હોવાનો અહેવાલ ખાસ ખબરમાં પ્રસિદ્ધ કર્યા બાદ અંતે પી ડબલ્યુ ડીના અધિકારીઓ આજે દોડી ગયા હતા અને કબ્જાગ્રસ્ત મકાન ખાલી કરાવ્યું હતું તેમજ અહીં થતી ગંદકી, લુખ્ખાઓની અવર-જ્વરથી સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા હોય અધિકારીઓએ ટૂંક સમયમાં જ અહીંથી કાટમાળ ભરી તમામ જગ્યા ખુલ્લી કરવાની બાહેંધરી આપી હતી. રાજકોટના વોર્ડ નંબર3ના જંક્શન કો.ઓ.હાઉસિંગ સોસાયટી સામે રેફ્યુજી કોલોની વર્ષો પૂર્વે સરકારે રેફ્યુજીઓને રહેવા બનાવી આપી હતી પરંતુ સમય જતા રેફ્યુજી પરિવરોએ આ મકાન ખાલી કરી આપતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ મકાન ફાળવાયા હતા જેમાં નિવૃત થયા પછી પણ કર્મચારીઓએ કબ્જો કરી લીધો હતો જેથી સરકાર કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટમાં સરકારની જીત થતા તમામ મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા.
મકાન ખાલી કરાવ્યા બાદ ખંઢેર હાલતમાં પડેલા મકાનોમાંથી લોખંડ અને લાકડાના બારી-દરવાજા પણ લોકોએ ચોરી લીધા હતા છત વિનાના આ મકાનોમાં દારૂડિયાઓ અને ગંજેરીઓએ અડ્ડો જમાવી લીધો હતો તાજેતરમાં જ સ્થાનિક રહીશોના આ પ્રશ્નને ખાસ ખબરએ વાચા આપતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે પછી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ આજે પી ડબલ્યુ ડીના અધિકારીઓ રેફ્યુજી કોલોની ખાતે ધસી ગયા હતા અને એક મકાનમાં રહેલો કબ્જો ખાલી કરાવ્યો હતો અહીં ચારેકોર ગંદકી હોય ઉપરાંત દારૂડિયાઓ દારૂ ઢીંચી કોથળીઓ ગમે ત્યાં ફેંકી દેતા હોય, રાત્રે લુખ્ખાઓ ઘુસી અનૈતિક પ્રવૃતિઓ કરતા હોય બહેનો-દીકરીઓને નીકળવું પણ મુશ્કેલ સાબિત થતું હોય તેવી રજૂઆત સ્થાનિકોએ કરી હતી આ પ્રશ્નને ખાસ ખબરએ વાચા આપી હતી દરમિયાન આજે કબ્જો ખાલી કરાવવા ગયેલા અધિકારીઓએ આ તમામ પ્રશ્ર્નોના નિરાકરણના ભાગરૂપે કાટમાળ દૂર કરી, જગ્યા ખુલ્લી કરાવવા રહીશોને બાહેંધરી આપી હતી ટૂંક સમયમાં જ આ જગ્યા ખુલ્લી કરવાની ખાતરી આપતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
- Advertisement -



