વારાણસી લોકસભા બેઠક પરથી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેથી ત્રણ લાખ મતોથી પરાજય થયો હોત: રાહુલ ગાંધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પરિવારવાદના રાજકારણનો વિરોધ કરતા રહે છે, પરંતુ તેમનું નવું મંત્રીમંડળ હકીકતમાં ’પરિવાર મંડળ’ છે તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે, વારાણસી લોકસભા બેઠક પરથી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેથી ત્રણ લાખ મતોથી પરાજય થયો હોત. કેન્દ્રમાં નવી એનડીએ સરકાર 3.0ના મંત્રીમંડળની જાહેરાત અને નવા મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણીના બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી.
તેમણે લખ્યું કે, પેઢીઓના સંઘર્ષ, સેવા અને બલિદાનની પરંપરાને પરિવારવાદ કહેનારા તેમના ’સરકારી પરિવાર’ને સત્તાની વહેંચણી કરી રહ્યા છે. કથની અને કરનીના તફાવતને નરેન્દ્ર મોદી કહે છે. તેમની પોસ્ટમાં રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ એચડી દેવેગૌડાના પુત્ર કુમારસ્વામી, પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૂૂણાચલ પ્રદેશના પહેલાં પ્રો-ટેમ સ્પીકર રિન્ચિન ખારુના પુત્ર કિરણ રિજિજૂ, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી એકનાથ ખડસેની પુત્રવધુ રક્ષા ખડસે, પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી એનડીએના ’પરિવાર મંડળ’નો ભાગ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સિવાય પણ અન્ય રાજકીય પરીવારોની પૃષ્ઠભૂમિમાંથી આવીને એનડીએ સરકારમાં મંત્રી બન્યા હોય તેવા નેતાઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં મતદારોનો આભાર માનવા માટે યોજાયેલી બેઠકમાં દાવો કર્યો હતો કે, તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસી લોકસભા બેઠક પરથી લડી હોત તો પીએમ નરેન્દ્ર મોદી બેથી ત્રણ લાખ મતોથી હારી ગયા હોત. તેમણે ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધન રાયબરેલી, અમેઠી અને દેશના અન્ય ભાગોમાં મજબૂતીથી લડયું હતું અને તેણે સંસદમાં ભાજપના નેતૃત્વની તાકાત ઘટાડી દીધી છે. લોકસભા ચૂંટણીના આ પરિણામોના કારણે હવે તેઓ અને અન્ય પક્ષોના સાંસદોને તેમના અહંકારના નિશાન નહીં બનાવી શકે અને સામાન્ય જનતા માટે કામ કરશે.