વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 20-પોઇન્ટ ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંધકોની મુક્તિ અને માનવતાવાદી સહાયમાં વધારો થવાથી યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન એન્ક્લેવના લોકોને રાહત મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તૈયાર શાંતિ યોજનાના પ્રથમ ચરણને બંને દેશોએ સહમતિ આપી છે. જેને આવકારતાં પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પણ વખાણ કર્યા છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે કે, અમે પ્રમુખ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણય વડાપ્રધાન નેતન્યાહૂના મજબૂત નેતૃત્વનું પણ પ્રતિબિંબ છે. ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ એક કરાર હેઠળ ઈઝરાયલ અને હમાસે ગાઝામાં લડાઈ રોકવા તથા અમુક બંધકો અને કેદીઓને મુક્ત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ કરાર બે વર્ષથી ચાલી રહેલા વિનાશકારી યુદ્ધને રોકવા માટેનું મોટું પગલું છે.
બંને દેશોએ પ્રથમ ચરણને આપી સહમતિ
- Advertisement -
ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારની જાહેરાત કરી હતી. તેમણે આ કરારને મજબૂત, સ્થાયી અને અનંતકાલીન શાંતિની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું હતું. ટ્રમ્પે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, મને જણાવતાં ગર્વ થઈ રહ્યો છે કે, ઈઝરાયલ અને હમાસે અમારી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર સહમતિ દર્શાવી છે. તેનો અર્થ એ છે કે, તમામ બંધકને ઝડપથી મુક્ત કરવામાં આવશે અને ઈઝરાયલ પોતાની સેનાને એક નિર્ધારિત સરહદ સુધી પરત ખેંચશે. આ મજબૂત, સ્થાયી અને અનંતકાલીન શાંતિની દિશામાં પ્રથમ પગલું છે. તમામ પક્ષોની સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે. તે આરબ, મુસ્લિમ દેશો, ઈઝરાયલ, તેની આસપાસના દેશો અને અમેરિકા માટે એક મહાન દિવસ છે. અમે કતાર, મિસ્ર, તૂર્કિયેના મધ્યસ્થીઓનો આભાર માનીએ છીએ. તેઓએ આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટનાને સંભવ બનાવવામાં અમને મદદ કરી. શાંતિ નિર્માતાઓનો આશીર્વાદ મળ્યો છે. આ કરાર હેઠળ તમામ બંધકોને મુક્ત કરવામાં આવશે.
તેલ અવીવમાં બંધકોના પરિવારજનો ઝૂમી ઉઠ્યા
આશરે બે વર્ષથી પીડા, અનિશ્ચિતતા અને માનસિક યાતનાઓનો સામનો કરી રહેલા તેલ અવીવના લોકો આ કરાર વિશે સાંભળી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ગાઝામાં બંધ તેમના પરિવારજનો ઘરે પરત ફરશે તેવી અપેક્ષા સાથે તેઓ ઉત્સાહિત થયા છે. આસપાસના લોકોને મીઠાઈ વેચી, નાચી-ઝૂમી રહ્યા છે. આ યુદ્ધમાં 67,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલી બંધકોના પરિવારજનોએ આ સમાચાર સાંભળતાં જ આતશબાજી કરી હતી. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા દ્વારા બંધક બનાવવામાં આવેલા 250 લોકોમાંથી 20 જણ જીવિત છે, 28ના મોત થઈ ચૂક્યા છે.