જળવાયુ પરિવર્તન અને કુપોષણની અસરમાં ઘટાડો થશે: પાકની નવી જાતોથી ચમકશે ખેડૂતોનું નસીબ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતોને લોન્ચ કરી છે. સરકારનું કહેવું છે કે આ જાતોને ભારતીય કૃષિ સંશોધન પરિષદ ((ICAR) દ્વારા ઘણાં રિસર્ચ બાદ વિકસાવવામાં આવી છે. આ દ્વારા જળવાયુ પરિવર્તન અને કુપોષણની અસરોને ઓછી કરી શકાશે. મોદી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. મોદીએ ખેડૂતો સાથે પણ વાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન જે પાકોની ભેટ દેશને આપી છે એમાં ચણાના આવા પાકનો પણ સમાવેશ થાય છે, જે દુષ્કાળનો સરળતાથી સામનો કરી શકે છે. આ સાથે જ રોગપ્રતિકારક ક્ષમતાવાળા ચોખાની સંભવિત જાતો પણ વિકસાવવામાં આવી છે. બાજરી અને મકાઈ જેવા પાકની ખાસ જાતો પણ સામેલ છે. ખેડૂતોને લગતા આ કાર્યક્રમમાં મોદી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ, રાયપુરના કેમ્પસનું ઉદઘાટન પણ કર્યું છે.