મોદીએ યુનુસને કહ્યું: સંબંધોને નુકસાન પહોંચાડનાર નિવેદનબાજીથી બચીને રહો
ખાસ-ખબર ન્યૂઝ બેંગકોક, તા.5
શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં જલ્દી ચૂંટણી કરાવવાની અપીલ કરી. તેમણે સંબંધોને નુકસાન પહોંચાડી શકે તેવા નિવેદનો ટાળવા પણ કહ્યું છે.
- Advertisement -
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ મોદી-યુનુસ મુલાકાત વિશે માહિતી આપી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મોદીએ યુનુસને કહ્યું કે ચૂંટણી લોકશાહીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ ટૂંક સમયમાં લોકશાહી અને સ્થિર સરકાર જોશે.
બંને નેતાઓ વચ્ચે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. પીએમ મોદીએ આ મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો. યુનુસે ખાતરી આપી કે બાંગ્લાદેશ સરકાર તેની જવાબદારીઓ નિભાવશે.
બંને નેતાઓએ આ મુલાકાત થાઇલેન્ડમાં BIMSTEC સમિટ દરમિયાન કરી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા વિદ્રોહ પછી પીએમ મોદી યુનુસને પહેલીવાર મળ્યા છે.
આ પહેલા બંને નેતાઓ ગઈકાલે રાત્રે BIMSTEC ડિનરમાં સાથે જોવા મળ્યા હતા. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બુધવારે દાવો કર્યો હતો કે બંને વચ્ચે મુલાકાત થઈ હતી. પીએમ મોદીએ છઠ્ઠા BIMSTEC દેશોના શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમનું સ્વાગત થાઇલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનવાત્રાએ કર્યું. આજે શરૂૂઆતમાં તેઓ મ્યાનમારના લશ્ર્કરી નેતા જનરલ મીન આંગને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે એમ પણ કહ્યું કે ભારત મ્યાનમારને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.



