ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર.માર્કોસ જુનિયર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થયા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
આ દરમિયાન કુલ 9 સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે, જેમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રો પર દ્વિપક્ષીય ચર્ચાઓ થવાની છે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે (5 ઓગસ્ટ) માર્કોસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજ્યા બાદ કહ્યું કે, ‘આજે મેં અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસે પરસ્પર સહયોગ, પ્રાદેશિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા કરી છે. અમે બંને નેતાઓએ બંને દેશોના ગાઢ સંબંધોને વ્હૂયાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.’ આ પહેલા પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં માર્કોસનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્વાગતની તસવીરો શેર કરી હતી.’
ભારત-ફિલિપાઈન્સ વચ્ચે કુલ 9 સમજૂતી કરાર થયા
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ અમલીકરણ માટે કાર્ય યોજનાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટર, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યટન વિભાગ મામલે પણ મહત્ત્વની સમજૂતી કરવામાં આવી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસ વચ્ચે દોષિત વ્યક્તિઓના સ્થાનાંતરણ અંગેની સંધિ પણ થઈ છે. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને ફિલિપાઇન્સ અવકાશ એજન્સી વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ પર સહયોગ સધાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ફિલિપાઇન કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ સહયોગ માટેની પણ શરતો થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ સમજૂતી કરાઈ છે. આમ બંને દેશો વચ્ચે 9 સમજૂતી કરાર થયા છે.