ભારે તાપ વચ્ચે 14 લોકસભા મત વિસ્તારને આવરી લેતો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
આજે ડીસા અને હિંમતનગરમાં સંબોધન, તા.2ના રોજ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે તેઓ બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં ભારે તાપ અને તડકા વચ્ચે યોજાયેલી જાહેર સભામાં જનમેદની એકત્ર કરવા ભાજપ દોડાદોડી પણ કરી રહ્યો છે.
રાજયમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલાં વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે બપોરે 2.30 કલાકે તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધન કરશે. ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રાખવામાં આવ્યું છે. આ રોકાણ દરમ્યાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાન કાલે મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10.00 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. જામનગરમાં તેમની છેલ્લી સભા છે જે પૂરી કરીને દિલ્હી રવાના થશે. વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા ફરીથી છઠ્ઠી મેની રાત્રીએ ગુજરાત આવશે.
- Advertisement -
ક્ષત્રિય સમાજ મોદીની સભાનો વિરોધ નહીં કરે
સંકલન સમિતિએ પત્ર જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ પત્ર જાહેર કરીને ગુજરાતમાં યોજાનારી વડાપ્રધાનની જાહેરસભાનો વિરોધ ન કરવા અપીલ કરી છે. સંકલન સમિતિ વતી સમગ્ર સમાજને જણાવવામાં આવ્યું હતું છે. વિરોધના પાર્ટ 2 મુજબ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ રહીશું પરંતુ સાથે જ સંકલન સમિતિએ પોતાના સમુદાયને અપીલ કરી છે કે અમે પીએમ મોદીનો વિરોધ નહીં કરીએ.
સંકલન સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાનની જાહેરસભામાં ક્ષત્રિય સમાજના આંદોલનની આડમાં કોઈ દુશ્મન કે કોઈ ખોટા ઈરાદા સાથે રાજ્યના હિતમાં વાતાવરણ બગાડી શકે છે. સંકલન સમિતિએ પીએમ મોદીનો વિરોધ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેથી નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે.
આવી સ્થિતિમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. જેના કારણે સંકલન સમિતિએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે, ક્ષત્રિય સમાજ સુરક્ષામાં ઉભી થતી કોઈ મુશ્કેલી કે સમસ્યા વિશે ક્યારેય વિચારી શકે નહીં. સંકલન સમિતિએ સમગ્ર સમાજને પીએમની ગુજરાતમાં યોજાનારી જાહેર સભા, રેલી, સંમેલનોનો વિરોધ કરવાથી દૂર રહેવા અપીલ કરી છે.