રણછોડ વેજપરા, લખમણ ટારિયા અને દેવજી કિયાડા સામે નોંધાઇ ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના પેડક રોડ ઉપર આવેલ આર્યનગરમાં રહેતા ચકુભાઇ રામજીભાઇ નાથાણી નામના વૃદ્ધે પડધરીના જીવાપર ગામના રણછોડ પ્રેમજી વેજપરા, રાજકોટની રાજલક્ષ્મી સોસાયટીના લખમણ ચના ટારિયા અને સિલ્વર નેસ્ટ સોસાયટીના દેવજી નાગજી કિયાડા નામના ભૂમાફિયાઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે રણછોડ અને લખમણે વાવડી ગામની સીમમાં બનાવેલી શ્રી ન્યૂ બાલાજી કો.ઓ.હા.સો.નામની સોસાયટીમાં રૂ.1500ના ભાવે પ્લોટની ખરીદ કરી હતી. પ્લોટની ખરીદી સામે બંનેએ પ્રમાણપત્ર તેમજ પૈસા મળ્યાની પહોંચ આપી હતી. પ્રમાણપત્રમાં પ્લોટની ધોરણસરની સનદ સરકારની મંજૂરી મળ્યે સુપરત કરવામાં આવશે તેમજ કલેક્ટર તંત્ર તરફથી મંજૂરી મળ્યાં બાદ બાંધકામ કરી શકાશે તેવું જણાવી ભરોસો આપ્યો હતો.
પ્લોટની ખરીદી કર્યા બાદ આર્થિક સગવડ ન હોવાને કારણે પ્લોટ પર બાંધકામ કર્યું ન હતું. ત્યારે 2016માં ખરીદેલો પ્લોટ કોઇ બીજાના નામે થયો હોવાનું અને તે પ્લોટ એન.એ.થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ કરતા ઉપરોક્ત જમીન સૂચિત સોસાયટીની જમીનનો રણછોડ અને લખમણે 2006માં દેવજી નાગજી કિયાડાને પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો. અને 1996માં રણછોડ અને લખમણે જમીનના મૂળ માલિક બુદ્ધિધનભાઇ મોહનભાઇ ઝવેરી પાસેથી જમીન ખરીદવા નોટરાઇઝ સાટાખતનો કરાર કર્યો હતો. અને તે સાટાખતનો કરાર દેવજી કિયાડાએ તેને મળેલા પાવરના આધારે જમીનના મૂળ માલિક તરફે રદ કરી પ્લોટ પાડી વેચાણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહિ પોતાની જેમ નારદભાઇ વલ્લભભાઇ માલવિયા, ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા, મહમદહનીફ અબ્દુલભાઇ થઇમ સહિતનાઓને પ્લોટ નં.1થી 31નું વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.