અન્ય ખેડૂતો કરતાં 30% વધુ વળતર મેળવતાં શિવપુરનાં પિતા-પુત્ર
પ્રાકૃતિક ખેતીમાં પ્રાથમિક ખર્ચ 25% અને અન્ય ખેડૂત કરતાં 200-300 રૂપિયાનો વધુ ફાયદો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરકારની સબસીડીથી કેરીના રોપાનું વાવેતર થાય અને તેમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તેનો ઉછેર થાય ત્યારે જે મિઠાશ કેરીમાં અને તેના અર્થોપાજનમાં ભળે તેનું ઉતમ ઉદાહરણ એટલે હળવદ તાલુકાના શિવપુરના ખેડૂત પિતા-પુત્રની જોડી.
હળવદ તાલુકાના શિવપુર ગામના નરભેરામભાઈ ગામીએ પોતાના ખેતરમાં સરકારની સબસીડીથી 600 રોપાનું વાવેતર કર્યુ. આ રોપાઓને ઉછેરવામાં તેમણે અને તેમના પુત્ર વિપુલભાઈ ગામીએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું. દેશી ગાય આધારીત ખેતી કરતા હોવાથી તેઓને ગાયના નિભાવ ખર્ચ માટે પણ સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે. સરકાર દ્વારા પાણી બચાવવાની ઝુંબેશના ભાગરૂપે જ્યારે ટપક સિંચાઇ પદ્ધતિને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે તેઓએ પણ સિંચાઈ માટે ટપક સિંચાઇ પદ્ધતિને અપનાવી જેના માટે પણ સરકારે સબસીડી આપીને ટેકો આપ્યો. રાજ્ય સરકારની આત્મા સંસ્થા સાથે સીધા જોડાયેલા વિપુલભાઈ સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના સમર્થક છે. ફાર્મર ફ્રેન્ડ તરીકે પણ આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે.
‘ખાસ-ખબર’ સાથે વાત કરતા વિપુલભાઈ ગામી જણાવે છે કે,સરકારની સબસીડીથી અમે કેરીનું વાવેતર કર્યુ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કર્યું. આ દરમિયાન સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્વતિ માટે,દેશી ગાયના નિભાવ ખર્ચ વગેરે માટે વિવિધ યોજનાઓ હેઠળ લાભ મળ્યો ઉપરાંત બોકસ પેકિંગની સહાય માટે પણ અમે અરજી કરી છે. આ પ્રાકૃતિક ખેતી અને સરકારની વિવિધ યોજનાઓ થકી અમે સારૂ એવું અર્થોપાજન મેળવી રહ્યા છીએ. ખેડૂત અગ્રણી નરભેરામભાઈ ગામી જણાવે છે કે,સરકારની સહાય તો પાયામાં જ છે. ઉપરાંત સંપૂર્ણપણે અળસીયાની ખેતી અને પ્રાકૃતિક ખેતીની પદ્વતિથી કેરીની ખેતી કરતા હોવાથી અમારી કેરીની બજારમાં વિશેષ માંગ છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી કરતાં હોવાથી પ્રાથમિક ખર્ચ ફક્ત 25 ટકા જેટલો જ થાય છે. ઉપરાંત અન્ય ખેડૂત કરતાં 200-300 રૂપિયાનો વધારે ફાયદો પણ થાય છે.