– તમામ શિયાળુ પાકનુ વાવેતર સંપન્ન: રાગી-મગ-રાયડામાં વૃદ્ધિ
ઘઉંના ભાવમાં કેટલાંક વખતથી રેકોર્ડબ્રેક તેજી બાદ હવે રાહત મળવા લાગી છે. કેન્દ્ર સરકારે 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવા મુકતા ભાવ 10 ટકા ઘટી ગયો હોવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો છે. બીજી તરફ દેશમાં ઘઉં સહિતના શિયાળુ પાકનુ વાવેતર પૂર્ણ થયુ છે.
- Advertisement -
કેન્દ્ર સરકારે 30 લાખ ટનનુ ઈ-ઓકશન શરૂ કરી દીધુ છે. બે દિવસમાં સરેરાશ 2474ના ભાવે આ ઘઉંનું વેચાણ થયું હતું. 30 લાખ ટનમાંથી 25 લાખ ટન ફલોરમીલો, 3 લાખ ટન નાફેડ તથા બે લાખ ટન રાજયોને આપવામાં આવનાર છે. ખાદ્ય મંત્રાલયે એવો દાવો કર્યો છે કે ઘઉંના છુટકભાવ ઘટીને 33.47 થયા છે જયારે લોટનો ભાવ રૂા.38.1 થયો છે. ગત વર્ષની તુલનાએ તો જો કે, ભાવો ઉંચા જ છે. 2022માં આ સમયગાળા દરમ્યાન ઘઉંનો ભાવ 28.11 તથા લોટનો 31.14 હતો. કૃષિ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ચાલુ વર્ષે પણ ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની શકયતા છે.
343 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. તે ગતવર્ષ જેટલું જ છે. ગત વર્ષે 341.84 લાખ હેકટરમાં વાવેતર હતું. બીજી તરફ શિયાળુ પાકના કુલ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 3 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 697.98 લાખ હેકટરમાં રવિ વાવેતર થયું હતું તે આ વર્ષે 720.68 લાખ હેકટરમાં થયું છે. આ વખતે મગ, વાલ, કળથી, મસુર જેવા કઠોળના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ છે જયારે ચણા અને અડદમાં ઘટાડો છે. ધાન્ય પાકોમાં જુવાર-બાજરીનુ વાવેતર ઘટયુ છે જયારે રાગી-જવ-મકાઈમાં વૃદ્ધિ છે. રાયડો, મગફળીના વાવેતરમાં પણ વૃદ્ધિ છે. જયારે તલ-સનફલાવરમાં ઘટાડો છે.