સવારે અને બપોરે બે સેશનમાં પરીક્ષા, 30 મિનિટ પહેલાં પ્રશ્ર્નપત્રનું બોક્સ ખોલાશે
ખાસ-ખબર સંવાદદાતા
બીએ, બી.કોમ. સહિતના જુદા જુદા કોર્સના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી પરીક્ષાની તારીખ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા તે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાની તારીખ યુનિવર્સિટીએ જાહેર કરી દીધી છે. આગામી તારીખ 26 માર્ચથી જુદા જુદા 20 જેટલા સ્નાતક કોર્સની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. 26 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા 04 એપ્રિલ સુધી ચાલશે. સવારે 10.30થી 1.00 અને બપોરે 2.30થી 5.00 એમ બે સેશનમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર રખાયા છે. પરીક્ષા દરમિયાન ઓબ્ઝર્વર પણ નિગરાની રાખશે. યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાશાખાના કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, 26 માર્ચથી શરૂ થતી પરીક્ષાને લઈને કોલેજોમાં બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે. જુદી જુદી 9 ફેકલ્ટીમાં આર્ટસમાં બીએ એક્સટર્નલ-રેગ્યુલર, બીએ આઈડી, બીએસડબલ્યુ, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં બીબીએ અને બીએચટીએમ, કોમર્સ ફેકલ્ટીમાં બી.કોમ રેગ્યુલર અને એક્સટર્નલની પરીક્ષા લેવાશે. સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ, બીએસસી આઈટી, બીએસસી, હોમસાયન્સ ફેકલ્ટીમાં બીએસસી એચએસ, લો ફેકલ્ટીમાં એલએલબી, બીએ એલએલબી, પર્ફોર્મિંગ આર્ટસમાં બીપીએ, રૂરલ સ્ટડીઝમાં બીઆરએસ અને એજ્યુકેશન ફેકલ્ટીમાં બીએ બી.એડ કોર્સની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે.
યુનિવર્સિટીના પરિપત્રમાં જણાવ્યું છે કે, પરીક્ષાના સમય પત્રકમાં દર્શાવેલ તારીખ અને સમય આખરી ગણાશે. જુદી-જુદી વિદ્યાશાખાની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ માટેનું બોક્સ નિયત સમય મર્યાદામાં એટલે કે પરીક્ષા શરૂ થતા પહેલાં 30 મિનિટ અગાઉ સીલ બંધ બોક્સ ખોલવાનું રહેશે તેમજ સીલબંધ બોક્સના પેકેટમાંથી સીલબંધ કવર વિદ્યાર્થીઓની હાજરીમાં પરીક્ષા ખંડમાં પરીક્ષાના નિયત સમયના 10 મિનિટ અગાઉ પ્રશ્નપત્રોનું સીલબંધ પેકેટ ખોલવાનું રહેશે. તેમજ સમ્રગ પ્રકિયા ઈ.ઈ.ઝ.ટ. કેમેરા સમક્ષ કરવાની રહશે. ‘પ્રશ્નપત્રો સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર’ અવશ્ય ભરવાનું રહેશે.