મંદિરની આસપાસ ગંદકીના કારણે લોકોમાં રોષ ફેલાયો: તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયું છે. રામનાથ મંદિર રાજકોટવાસીઓની આસ્થાનું પ્રતિક છે. આજી નદીને કાંઠે આવેલું રામનાથ મંદિર કે જેના રિનોવેશનનું કામ 7 વર્ષ પહેલાં ચાલુ કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં પણ કામ હજુ પૂરૂં કરવામાં આવ્યું નથી. હવે ચોમાસું આવવાના એંધાણ વચ્ચે દર વર્ષે ચોમાસામાં જળબંબાકાર વરસાદ બાદ રામનાથ મંદિર ઉપર ખરાબ પાણીનો ધોધ વહેતો થાય છે જેનાથી ધાર્મિક દ્રષ્ટિએ લોકોની લાગણી દુભાતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી દેખાય છે. અધૂરૂં પડેલું કામ વર્ષોથી ચાલુ હોવાથી રાહદારીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રામનાથ મંદિરની ફરતે જે દિવાલનું નિર્માણ કરવામાં આવવાનું હતું, તે કામ હાલની તારીખમાં પણ પૂરૂં કરવામાં આવ્યું નથી, બે વાર કામ ચાલુ કરીને બંધ કરી દેવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારીના લીધે કામ અટકેલું પડ્યું છે. હાલની તારીખમાં પણ રામનાથ મંદિરની આસપાસ ઘણી ગંદકી અને ખરાબ પાણીનો ઉપદ્રવ જોવા મળે છે જેના લીધે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં છે. જેના લીધે ત્યાંના રહેવાસીઓમાં બીમારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે, જેનાથી ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. હાલના સમયમાં જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં લીન છે ત્યારે રામનાથ મંદિરની આજુબાજુના વિસ્તારના રહેવાસી દ્વારા પણ મંદિરની આજુબાજુમાં ગંદકી કરવામાં આવે છે પણ રાજકોટ મહાનગરપાલિકાની ધીમી ગતિએ ચાલતી કામગીરીને જોતાં હજુ થોડા વર્ષો વિતી જાય તો એમાં કંઈ નવાઈ નહીં લાગવી જોઈએ.



