પુનીતનગર કર્મચારી સોસાયટીમાં સ્થાનિક રહેવાસીના ઘર ઉપર 66 કે.વી. વીજલાઈનના હિસાબે લોકોના જીવ ગયા છતાં તંત્ર આંધળુ-બહેરુ કેમ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
પુનીતનગર કર્મચારી સોસાયટીમાં લગભગ 30થી 40 જેટલા મકાનની ઉપરથી 66 કે.વી. વીજલાઈન પસાર થાય છે. આ વીજલાઈન 1 બાળક અને એક મહિલાનો જીવ લઈ ચૂકેલી છે. આવી ગંભીર બાબત હોવા છતાં પીજીવીસીએલે અત્યાર સુધી કોઈ એકશન લીધેલ નથી. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો નથી ત્યારે સવાલ એ છે કે શું હજુ વધુ ટીઆરપી ગેમઝોન જેવા આગળ બનાવ બને તેની રાહ જોઈ રહી છે
- Advertisement -
પીજીવીસીએલ? હાલમાં પુનીતનગરમાં રહેલા આ વીજવાયરથી પીડીત પરિવારોની વેદના એ છે કે તેઓ પોતાનું ઘર હોવા છતાં બીકના હિસાબે ઘરની અગાશી ઉપર જઈ શકતાં નથી. વીજવાયર નજીકથી પસાર થતો હોવાથી બાળકો ઉત્તરાયણ કે અન્ય બીજા તહેવારોની પણ મજા લઈ શકતા નથી. આ ઉપરાંત વરસાદમાં શોર્ટ સર્કિટની બીક અને ગરમીમાં વીજ વાયર નીચો આવતો રહે છે તો નીચું વળીને ચાલવું પડે છે. રોજ જીવના જોખમે અવરજવર કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનું જવાબદાર કોણ? રહેવાસીઓની માંગ છે કે વીજવાયર ઉંચો લઈ લેવામાં આવે અથવા તો તેને કાઢી નાખવામાં આવે એવી માંગ પુનીતનગર કર્મચારી સોસાયટીના રહેવાસીઓએ કરી છે.