શેહબાઝ શરીફ નેતૃત્ત્વવાળી સરકાર પેટ્રોલિયમ ડીલરોનું નફાનું માર્જિન વધારવામાં નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પેટ્રોલિયમ ડીલરોએ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાની ધમકી આપી છે. શેહબાઝ શરીફ નેતૃત્ત્વવાળી સરકાર પેટ્રોલિયમ ડીલરોનું નફાનું માર્જિન વધારવામાં નિષ્ફળ ગઇ હોવાથી પેટ્રોલિયમ ડીલરોે દ્વારા આ ધમકી આપવામાં આવી છે.
- Advertisement -
પત્રકાર પરિષદને સંબોધતા પાકિસ્તાન પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન (પીપીડીએ)ના ચેરમેન સમીઉલ્લાહ ખાને જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ડીલરોનું નફાનું માર્જિન વધારી પાંચ ટકા કરવામાં શેહબાઝ શરીફ સરકાર નિષ્ફળ નિવડી છે. જેથી આ સ્થિતી સર્જાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં 2.4 ટકા નફો ચુકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલનો ભાવ 253 રૃપિયા તથા એક લિટર ડીઝલનો ભાવ 253.50 રૃપિયા છે. આ ભાવ પ્રમાણે હાલમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર 2.4 ટકા લેખે 6 રૃપિયા નફો ચુકવવામાં આવે છે. પેટ્રોલિયમ ડીલરોની માગ છે કે એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર પાંચ ટકા એટલે કે વર્તમાન ભાવ મુજબ 12 રૃપિયા નફો ચુકવવામાં આવે.
પેટ્રોલિયમ ડિવિઝનના રાજ્ય કક્ષાના પ્રધાન મુસાદિક મલિક સાથે આવતીકાલે આ સંબધમાં અંતિમ મિટિંગ થવાની છે. જો આ મિટિંગમાં ઉકેલ નહીં આવે તો પેટ્રોલિયમ ડીલરો આવતીકાલથી હડતાળ પર ઉતરી જશે.