NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પ્રભારી અંકુશ ભટનાગરની આગેવાની હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હોદ્દેદારોએ એકઠાં થઇ કરી રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે પ્રદેશ એનએસયુઆઇના હોદ્દેદારોની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રનાં કાર્યકર્તાઓ દ્વારા ભરતી સહિતનાં વિવિધ પ્રશ્ર્નો અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ એનએસયુઆઇ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પ્રભારી અંકુશ ભટનાગરની આગેવાનીમાં આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સૌરાષ્ટ્રભરનાં એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને રજૂઆત કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સમરસ હોસ્ટેલના પાણી અને જમવા બાબતે વિદ્યાર્થીઓને હેરાનગતિ થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પ્રથમ ઉપર કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે જેને પૂર્ણ કરી કાયમી ભરતી કરવામાં આવવી જોઇએ. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વિવિધ યુનિવર્સિટીઓમાં કુલપતિ તેમજ જિલ્લામાં શિક્ષણાધિકારીઓની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક અસરથી ભરવી જોઇએ અને તાજેતરમાં જેટકોની રદ થયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.