ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં નામાંકિત તબીબ ડો.અતુલ ચગે અચાનક જ અઘટિત પગલું ભરી જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં આ હાઈ પ્રોફાઈલ કેસની ચર્ચા થઈ રહી છે. ત્યારે લોહાણા સમજે આગળ આવી આજે મહાજન વાડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને વિશાળ સંખ્યામાં હાજર જ્ઞાતિજનો વચ્ચે આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે અત્યંત દુ:ખ સાથે જણાવાનું કે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળના પ્રતિભાશાળી, માનવતાવાદી રઘુવંશી ડો. અતુલભાઈ ચગના આપઘાતથી તેમના પરિવારજનો જ નહીં પણ સમગ્ર માનવ સમાજ સ્તબ્ધ થઈ ગયો છે.સ્વ.ડો.અતુલભાઈ ચગ ગરીબ દર્દીનારાયણની સેવાના ભેખધારી તબીબી હતા.તબીબ વ્યવસાય પ્રત્યેની તેઓની નિષ્ઠા, સમર્પણ અને પરોપકારીતા તેમના મુખ્ય ગુણ હતા. તેમની આત્મહત્યાથી દરેક સમાજના લોકો હચમચી ગયા છે.ડો. અતુલભાઈ ચગની સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેઓએ આત્મહત્યા કરવાની તેઓને જે ફરજ પડી તેઓના નામ તેઓએ જણાવેલ છે. આ સ્યુસાઈડ નોટના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આમ જનતામાં આદર પાત્ર ડોકટર અતુલભાઈ ચગના રહસ્યમય આપઘાત પ્રકરણમાં નિષ્પક્ષ કાર્યવાહી દ્વારા, જવાબદારોને કડક સજા મળે અને સદગતના પરિવારને ન્યાય મળે તે માટે તટસ્થ ઉંડી અને નિષ્પક્ષ તપાસ કરાવી દાખલારૂપ કડક કાર્યવાહી કરી લોહાણા સમાજને ન્યાય મળી રહે તેવી અમારી લાગણી અને માગણી છે તેમ જણાવ્યું છે. આ સાથે ઈંખઅ વતી પણ એક આવેદનપત્ર આપી સેવાભાવી ડોકટર અતુલ ચગે જે પગલું ભર્યું છે તેના દોષીતોને સજા મળે તેવી માંગ સાથે પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ આપ્યું હતું.દરમિયાન આ સૂસાઈડ નોટને લઇને મોટો ખુલાસો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.અત્યાર સુધી જે સાંસદને ભળતું નામ જણાઇ રહ્યું હતું ત્યારે પરિવારજનો દ્વારા સાંસદ પોતે જ છે તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.જેની કોઈપણ પક્ષપાત વગર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પરિવારજનો એ માંગણી સરકાર સમક્ષ કરી છે.
- Advertisement -
તબીબના બેનનું નિવેદન: સુસાઇડ નોટમાં લખેલું નામ સાંસદનું જ છે
લોહાણા સમાજએ આવેદનપત્ર આપ્યા બાદ રીટાબેન માણેકે સમાજ અને ડોક્ટરોનો સહકાર માટે આભાર માન્યો અને પોતાના ભાઈ અતુલભાઈએ નોટમાં લખેલા નામ જે એમપી રાજેશભાઇ ચુડાસમા અને તેમના પિતા નારણભાઇ જ છે તેમ જણાવ્યું હતું. તેની પર વધારે તપાસ કરો, મારો ભાઈ તેની છેલ્લી નોટમાં ખોટું લખી શકે નહીં. તેથી આ બંને પર યોગ્ય તપાસ થવી જ જોઈએ અને અમને ન્યાય મળવો જ જોઈએ તેમ જણાાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેરાવળના લોકો કહે છે કે ગરીબોનું બેલી ગયો તો તેને ન્યાય મળશે તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ મળી ગણાશે.
સ્વ.ડૉ.ચગના પુત્રનું નિવેદન
મહત્વની વાત છે બે દિવસ થવા છતાં ડો.ચગના પૂત્ર હિતાર્થ સ્તબ્ધ હોય કે માનસીક તાણમાં હોય કે પછી ગમે તે પ્રેશર અનુભવતા હોય, સમાજ તથા તબીબો તેમની સાથે છે તેમ છતાં હજુ ફરિયાદ લખાવી નથી. તેઓ આજ કે કાલ સુધીમાં પરિવાર સાથે ચર્ચા કરી ફરિયાદ નોંધાવશે તેમ જાણવા મળ્યું છે.તેમના પુત્ર હિતાર્થને પોલીસ ફરિયાદ અંગે પૂછતાં જણાવ્યું હતું કે મારા પિતા પાવરફુલ લોકોના પ્રેશરના કારણે આ પગલું ભર્યું છે.અત્યારે પણ હું સ્તબ્ધ છું. ગઈકાલે હજુ પિતાની ધાર્મિક વિધિ પૂર્ણ કરી છે. કઈ રીતે ફરિયાદ લખાવી તે પરિવાર સાથે ચર્ચા કરી ફરિયાદ લખાવશું.આત્મહત્યા પાછળ કોણ છે તેના જવાબમાં હિતાર્થ પાવરફુલ લોકો છે. પિતા નામ લખતા ગયા છે અને વધુમાં ફરિયાદ કરીશ ત્યારે જણાવીશ તેમ જણાાવ્યું હતું.