ભાજપની ૬ તો કોંગ્રેસની ૨ બેઠકો પર થઈ શકે છે જીત
પેટાચૂંટણીમાં ભાજપ પાસે ૮માંથી વધુમાં વધુ ૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૮માંથી વધુમાં વધુ ૪ બેઠકો જીતવાની તક
ગોરધન ઝડફિયાને મેદાન ઉતારી ભાજપ ખેલી શકે છે મોટો દાવ : પટેલ અને કોળી મતદાર પર રહેશે બધો જ દારોમદાર
- ભવ્ય રાવલ
ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં ૩ નવેમ્બરે વિધાનસભાની ૮ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે અને ૧૦ નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણીમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસાની બેઠકો સામેલ છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ પેટાચૂંટણીમાં ભાજપને ૬ અને કોંગ્રેસને ૨ વિધાનસભાની બેઠકો મળી શકે એવું ખાસ ખબરનું અનુમાન છે મતલબ કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ૮ બેઠકોમાંથી ૨ બેઠક પર ભાજપની અને ૬ બેઠક પર કોંગ્રેસની હાર શકે છે. ભાજપની લીંબડી, કરજણ બેઠક પર અને કોંગ્રેસની કપરાડા, ડાંગ, ગઢડા, ધારી, અબડાસા, મોરબી બેઠક પર હાર થઈ શકે છે. જો અંતિમ ઘડીએ બાજી પલટે અને કોઈ મોટા ઉલેટફેર થાય તો પણ પેટાચૂંટણીમાં ભાજપ પાસે ૮માંથી વધુમાં વધુ ૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૮માંથી વધુમાં વધુ ૪ બેઠકો જીતવાની તક છે. ભાજપ ૬થી વધુ અને કોંગ્રેસ ૪થી વધુ બેઠકો જીતી નહીં શકે એવું જણાય રહ્યું છે. કોની કઈ બેઠક પરથી સો ટકા હાર જ થશે કે કોની કે બેઠક પરથી સો ટકા જીત જ થશે એ હાલ સચોટપણે કહેવું મુશ્કેલ છે છતાં એટલું સ્પષપણે કહી શકાય કે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય.. પેટાચૂંટણીનાં પરિણામોની અસર પાલિકાની ચૂંટણી પર થવાનું નિશ્ચિત છે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસ્સાકસ્સીનો જંગ જોવા મળશે. કારણ કે, આ પેટાચૂંટણીમાં પક્ષપલટુથી લઈ પક્ષનાં આંતરિક જૂથવાદ મહત્વની ભૂમિકા ભજવશે. કૃષિ બિલ, હાથરસકાંડ, ભારત–ચીન સરહદી વિવાદથી લઈ કોરોનાકાળ, સ્કૂલ ફી, મંદી, મોંઘવારી, બેરોજગારી અને માળખાકીય સુવિધાઓ જેવા અનેક મુદ્દાઓ આ પેટાચૂંટણીમાં ચર્ચાવવાનાં છે ત્યારે ટિકિટ ફાળવણી સમયે જે પક્ષ – સંગઠનમાં નારાજગી વધશે તે પક્ષ – સંગઠનને નુકસાની ભોગવવી પડશે એ નક્કી છે. વળી, પેટાચૂંટણી બાદ ટૂંકસમયમાં પાલિકાની ચૂંટણી આવશે અને એ પાલિકાની ચૂંટણી પર પેટાચૂંટણીનાં પરિણામ અસર થવાની છે એ પણ નક્કી છે. પેટાચૂંટણીનાં પરિણામોની સંભાવના પર નજર નાખતા પાલિકાની ચૂંટણી લડવા ભાજપને નવો જોમ–જુસ્સો મળી રહેશે. પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે પ્રોત્સાહક રહેવાના છે અને કોંગ્રેસ માટે લાલબત્તી સમાન. પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ તરફી વધુ રહેવાની સંભાવના છે એટલે પેટાચૂંટણી બાદ આવનારી પાલિકાની ચૂંટણીમાં આ પરિણામોની અસર જોવા મળશે તો ભાજપને પેટાચૂંટણીનાં પરિણામોનો માહોલ પાલિકાની ચૂંટણીમાં પણ ફાયદો કરી શકે છે. આનો એક અર્થ એ પણ છે કે, પેટાચૂંટણીમાં જે પક્ષ સારું પરિણામ મેળવશે તે પક્ષ પાલિકાની ચૂંટણીમાં સારું પરિણામ મેળવશે. ભાજપ અને કોંગ્રેસ માટે અતિ અગત્યની પાલિકાની ચૂંટણીમાં પેટાચૂંટણીનાં પરિણામો પણ અગત્યનો ભાગ ભજવશે. જો કોંગ્રેસે પાલિકાઓ કબજે કરવી હોય તો પેટાચૂંટણી કોઈપણ સંજોગોમાં જીતવી પડે.
- Advertisement -
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ સી.આર. પાટીલ ભલે અગાઉ કોંગ્રેસમાંથી આવેલાં તમામને ટિકિટ મળે તે મતના ન હોય પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચારથી પાંચ જેટલા ધારાસભ્યોને વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત ધારી બેઠક પરથી ગોરધન ઝડફિયાને મેદાનમાં ઉતારી ભાજપ મોટો દાવ ખેલી શકે છે. એટલે અમુક બેઠક પર મતદારો પક્ષપલટુને ભરી પીવાની રાહ જોઈ રહ્યાં છે તો અમુક બેઠક પર પક્ષપલટુઓની જીત નિશ્ચિત મનાય રહી છે તો અમુક બેઠક પર જૂના જોગીને જીતાડવા મતદારો ઉત્સુક છે. બીજી તરફ કોંગ્રેસે પણ નવા ઉમેદવારો સાથે પેટાચૂંટણીની વધુમાં વધુ બેઠકો પર જીતવાનાં પ્રયાસ હાથ ધરી દીધા છે. અત્યારે પેટાચૂંટણીમાં ભાજપ માટે કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી એ પ્રશ્ન છે તો કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી એ સમસ્યા છે. વિધાનસભા પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારની હજુ શોધ જ કરવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક બેથી ત્રણ નામોની યાદી મોવડીમંડળ પાસે મોકલી દેવામાં આવી છે છતાં હજુ પણ પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે એ કહેવું સૌથી મુશ્કેલભર્યું છે.
પેટાચૂંટણીની આઠ બેઠકોનાં મતદારોની વાત કરવામાં આવે તો આ આઠેય બેઠકો પર પટેલ અને કોળી મતદાર ભાજપ અને કોંગ્રેસની હાર-જીત નક્કી કરશે. સૌરાષ્ટ્રની બેઠકો પર પટેલ તો સૌરાષ્ટ્ર આસપાસ અને બહારની બેઠકો પર કોળી મતદારોનો બધો જ દારોમદાર રહેશે. અને આ કારણે જ પેટાચૂંટણીમાં ભાજપનું પલડું ભારે લાગી રહ્યું છે. ભાજપ પાસે સક્ષમ ઉમેદવારો, પક્ષપલટુ તેમજ જે–તે સમાજનાં અગ્રણીઓનો સાથ છે. ગુજરાત ભાજપ પ્રમુખ અગાઉથી જ પટેલોને પોતાના તરફ કરી ચૂક્યા છે. ભાજપમાંથી જેને–જેને ટિકિટ મળવાની છે તેને–તેને પોતાના મતવિસ્તારમાં મતદારો માટે સક્રિયતાથી કામગીરી કરવાની સૂચના અપાઈ ગઈ છે અને સંગઠનની અન્ય કામગીરી સોંપાઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસ હજુ કોને ટિકિટ આપશે એ જ નક્કી નથી. પેટાચૂંટણીમાં ઉભા રાખવા મુરતિયાઓની શોધ ચાલુ છે. તેથી આ બેઠકો પર કોંગ્રેસનાં નેતાઓ અને અગ્રણીઓ હજુ શું કરવું અને શું ન કરવું એવી અસમંજસભરી સ્થિતિમાં છે. આ તમામ બાબતો પેટાચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ બેઠકો પર જીત અપાવશે અને આ પેટાચૂંટણીનું પરિણામ પણ પાલિકાની ચૂંટણી પર પડશે. આમ, પેટાચૂંટણી ભાજપની દિવાળી સુધારી શકે છે અને ત્યારબાદ આવનારી પાલિકાની ચૂંટણીમાં પણ પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે ફળદાયી–ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનાં સંભવિત ઉમેદવારો
- Advertisement -
મોરબી – બ્રિજેશ મેરજા
અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
કરજણ – અક્ષય પટેલ
કપરાડા – જીતુ ચૌધરી
ધારી – ગોરધન ઝડફિયા અથવા જે.વી. કાકડિયા
લીમડી – સોમા પટેલ અથવા કિરીટસિંહ રાણા
ગઢડા – પ્રવિણ મારૂ અથવા આત્મારામ પરમાર
ડાંગ – મંગળ ગાવિત અથવા અન્ય કોઈ
વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારો
ધારી – જેનીબેન ઠુમ્મર અથવા સુરેશ કોટડિયા
મોરબી – જયંતિભાઈ પટેલ અથવા કિશોર ચીખલીયા
લીંબડી – કલ્પનાબેન ધોલીયા અથવા ચેતન ખાચર
ગઢડા – મોહન સોલંકી અથવા મુકેશ શ્રીમાળી
અબડાસા – વિસનજી પાંચાણી અથવા નવલસિંહ જાડેજા
ડાંગ – ઉમેદવારની શોધ ચાલુ છે
કપરાડા – ઉમેદવારની શોધ ચાલુ છે
કરજણ – ઉમેદવારની શોધ ચાલુ છે
ભાજપ કઈ-કઈ બેઠકો જીતી શકે છે?
કપરાડા – ડાંગ – ગઢડા – ધારી – અબડાસા – મોરબી
કોંગ્રેસ કઈ-કઈ બેઠકો જીતી શકે છે?
લીંબડી – કરજણ