કોટડાનાયાણી ગામે વાડીમાં ચાલતા જુગાર ધામ પર રેડ: જુગાર રમતા 4 શખ્સો 9.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, 5 ફરાર
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર, તા.24
વાંકાનેર તાલુકા પોલીસે કોટડાનાયાણી ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે પાંચ શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને વાહનો મળીને કુલ ₹9.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમૂક રાજકોટથી જુગાર રમવા આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, શું 6810 જેટલા રોકડા રૂપિયા લઇને આ શખ્સો આવ્યા હશે ? તે તપાસનો વિષય છે. હાલ ગુજરાત પોલીસ ઉપર શંકાની સોય તણાતી રહે છે. દરમિયાન આ જુગાર રેડ અંગે પણ અનેક તર્ક વિર્તક થઇ રહ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે પરાક્રમસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પરાક્રમસિંહ હાલુભા જાડેજા (45, કોટડા નાયાણી), ફેજલભાઈ આરીફભાઈ ગલેરીયા (31, રાજકોટ), ડાડામીયા મહોમંદમીયા પીરજાદા (33, રાજકોટ) અને નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક (31, રાજકોટ)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન વિપુલભાઈ ઉર્ફે જાંબુ, જાવેદ મેમણ, ભટ્ટભાઈ ઉર્ફે કાકા અને બે અજાણ્યા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹6,810ની રોકડ રકમ ઉપરાંત ₹9.65 લાખની કિંમતના પાંચ વાહનો (એક સ્કૂટર, બે બાઇક અને બે કાર) જપ્ત કર્યા છે. સ્થળ પરથી જુગાર રમવા માટે વપરાતા વિવિધ રંગના પ્લાસ્ટિક ટોકન પણ મળી આવ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ સ્થળ ઉપરથી અલગ અલગ ગુલાબી, લીલો, પીળો, સફેદ કલરના પ્લાસ્ટીકના 174 ટોકન અને બે ઘોડી ના પાસા મળી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે જુગારની રેડ કરીને જે શખ્સોને પકડવામાં આવેલ છે તેમાંથી કેટલાક રાજકોટના છે અને નાશી ગયેલા શ્ખ્સોમાં પણ રાજકોટના શખ્સોનો સમાવેશ થાય છે તો શું રાજકોટથી ચિલ્લર લઈને જુગાર રમવા માટે આ શખ્સો આવ્યા હશે ? તે તપાસનો વિષય છે અને જુગારની રેડમાં નજીવી રોકડ રકમ પકડાયેલ છે જો કે, કુલ રકમ લાખોમાં દર્શાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસ બેડામાં અનેક તર્કવિતર્ક થવા લાગેલ છે.