રાજકોટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગ દ્વારા એક અતિ જટીલ અને અત્યંત મુશ્કેલ એવી Awake Craniotomy (Awake brain surgery) કે જેમાં દર્દીને સજાગ અવસ્થામાં રાખીને જ દર્દીના મગજ પર શસ્ત્રક્રીયા કરવામાં આવે છે, તે સફળતાપૂર્વક કરાઈ હતી.
પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં આવેલા દર્દીને જમણી બાજુના મગજમાં હાથ-પગ ચલાવવાનાં કેન્દ્ર ઉપર મોટી ગાંઠ થયેલી હતી. જેનું ઓપરેશન કરતા હાથ-પગનો લકવો થવાની પૂરેપૂરી શક્યતા જણાતા ડોક્ટરોએ સામાન્ય સર્જરી નહીં પરંતુ અવેક બ્રેઈન સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. દર્દી સાથે વાતો કરતા-કરતા તેના મગજમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીની રિકવરી ખૂબ જ સારી છે અને તેના હાથ કે પગમાં લકવાની કોઈ જ અસર નથી. દર્દીનાં ઓપરેશન બાદ તેમને રજા આપવામાં આવી છે અને દર્દીને કોઈ જ તકલીફ નથી. સર્જરી કોઈ પણ ચાર્જ વગર સફળતાપૂર્વક થઈ જતા દર્દી અને તેના સ્નેહીજનોએ હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે પી.ડી.યુ. હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, ન્યુરોસર્જરી વિભાગના વડા અંકુર પાંચાણી, ડો. મિલન સેંજલીયા, ડો.ભાર્ગવ ત્રિવેદી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે હંમેશાં પ્રત્યનશીલ રહે છે.