36 જેટલી ઘટતી મેડિકલ ચીજવસ્તુઓ માટે તબીબ દ્વારા રજૂઆત
હળવદની સરકારી હોસ્પિટલમાં 68 ગામના દર્દીઓ સારવાર અર્થે આવે છે અને મોટાભાગના ગરીબ વિસ્તારોમાંથી પ્રસૂતિ માટે સરકારી હોસ્પિટલનો જ સહારો લેતા હોય છે. હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટની જગ્યા ખાલી હતી જોકે લગભગ ત્રણેક માસથી ગાયનેકોલોજીસ્ટ મળતા પ્રસૂતિની સારવારમાં ઉછાળો આવ્યો છે પરંતુ સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સોનોગ્રાફી મશીન સહિત 36 જેટલી ઘટતી મેડિકલ ચીજવસ્તુઓ માટે તબીબ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. આકાશ પટેલે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટને 36 મેડિકલ ચીજવસ્તુઓ માટે રજૂઆત કરી છે. સોનોગ્રાફી મશીન, બાળકોના ધબકારા માપવાનું મશીન તેમજ અન્ય મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે બે મહિના પહેલા રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. હોસ્પિટલમાં સુવિધાના અભાવના કારણે દર્દીઓની સારવારમાં વિલંબ થઇ રહ્યો છે. આ અંગે ડો. આકાશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગની ચીજવસ્તુઓ સરકાર તેમજ સામાજિક સંસ્થા દ્વારા મળી ગઇ છે જેમાં સોનોગ્રાફી મશીન અને બાળકના ધબકારા માપવાનું મશીન તેમજ ઘટતીની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થઈ જશે.