વીજ ટ્રાન્સફોર્મરો કોઈ મોટો અકસ્માત સર્જે એ પહેલાં સત્વરે દૂર કરવા લોકમાંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં દરરોજ લાખો ભાવિકો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા આવે છે ,વિરપુરનો મુખ્ય મેઈન રોડ કે બસ સ્ટેન્ડ જવા માટે તેમજ જેતપુર કે ગોંડલ જવા માટે મુખ્ય રોડ છે, આ જ મુખ્ય રોડ પર સામુહિક અરોગ્ય કેન્દ્ર એટલે કે સરકારી હોસ્પિટલ આવેલું છે, આ સરકારી હોસ્પિટલ પાસે જ પીજીવીસીએલ દ્વારા એક સાથે બે વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) ઉભા કરાયેલા છે,આ વીજ ટ્રાન્સફોર્મર હોસ્પિટલના કંપાઉન્ડની તદ્દન નજીક હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
- Advertisement -
જેમને લઈને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પોતાના જીવન જોખમે આ વીજ ટ્રાન્સફોર્મરો પાસેથી પસાર થવું પડે છે તેમજ આ વીજ ટ્રાત્રસફોર્મરો વીરપુરના મેઈન રોડ પર હોવાથી વીરપુર આવતા યાત્રાળુંઓ, પ્રવાસીઓ તેમજ રોડ ઉપરથી પસાર થતા લોકોને પોતાના જીવના જોખમે પસાર થવું પડે છે, નિયમ અનુસાર વીજ ટ્રાન્સફોર્મર ફરતે પ્રોટેક્શન ગ્રીલ ફિટ કરવાની હોય છે.
પરંતુ પીજીવીસીએલના અધિકારીઓની ધોર બેદરકારીને લઈને આ સરકારી હોસ્પિટલ પાસે કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર ઉભા કરાયેલા વીજ ટ્રાન્સફોર્મરોને ફરતે માત્ર કાંટાળા તાર લગાવી દેવામાં આવ્યા છે,જેમને લઈને આ વીજ ટ્રાન્સફોર્મરો ઉભા કરવામાં વીજ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના પણ જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો થયા છે.
સૂત્રોની માહિતીના આધારે આ વીજ ટ્રાન્સફોર્મર હોસ્પિટલના કમ્પાઉન્ડના એકદમ નજીક ઉભા કર્યા હોવાથી જેતે સમયે માનવ અધિકાર પંચ દ્વારા પીજીવીસીએલને નોટિસ ફટકારી હતી પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ માનવ અધિકાર પંચની એ નોટીસને ઘોળીને પી ગયા હોય કે પછી કોઈ રાજકીય વગદારોએ મામલો સગેવગે કર્યો હોય!? તેમ છતાં હજુ સુધી આ ટ્રાન્સફોર્મરો મોતના માચડા બનીને ઉભા છે!. સરકારી હોસ્પિટલ પાસે ઉભા કરાયેલા આ બે વીજ ટ્રાન્સફોર્મરને કારણે ભૂતકાળમાં અનેક વાર સોર્ટ સર્કિટના બનાવો પણ બન્યા છે પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને તેમજ રોડ પર પસાર થતા લોકોને આ યમદુતના મોતના માચડા સમાન બન્ને વીજ ટ્રાન્સફોર્મરો કોઈ મોટો અકસ્માત સર્જે અને કોઈ જાનહાની થાય અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ કે રોડ પર પસાર થતા લોકોના જીવ જોખમાય એ પહેલાં વહેલી તકે બન્ને વીજ ટ્રાન્સફોર્મરોને આ જગ્યાએ થી દુર કરવામાં આવે તેવી લોક ઉઠી છે.



