પટિયાલામાં વાતવારણ ગંભીર બનતા ઈન્ટરનેટ બંધ
હિંદુ સંગઠનોએ કાલી માતાના મંદિર પર હુમલો કરનારાઓની ધરપકડ કરવા કરી માંગ
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
પટિયાલામાં શિવસેનાના કાર્યકારો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે શુક્રવારના રોજ થયેલી અથડામણને કારણે શહેરનું વાતાવરણ તંગ બન્યું છે. હિંસા વ્યાપક સ્વરૂપ ધારણ ન કરે તે માટે પટિયાલામાં 9.30 થી 6.00 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. પંજાબના સીએમ એકશનમાં આવતાં ગૃહ વિભાગે અફવાઓ ફેલાતી અટકાવવા માટે આદેશ પાડ્યા છે. જ્યારે પટિયાલા આઈ.જી.રાકેશ અગ્રવાલને હટાવાયા બાદ સિનિયર SP અને સિટી SPને પણ હટાવી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, મુખવિંદર સિંહ ચિન્નાને પટિયાલાના નવા IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દિપક પારિકને પટિયાલાના સીનિયર SP અને વજીર સિંહને પટિયાલાના નવા SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે.
- Advertisement -
ખાલિસ્તાની સમર્થકો સામે હિંદુ સંગઠનોઓ પટિયાલા બંધનું આહવાન કર્યું છે. તેમજ કાલી માતાના મંદિર પર હુમલો કરનાર દોષીઓની ધરપકડ કરવાની માંગણી કરી છે. ત્યારે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શુક્રવારે સાંજે 7 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો
એક દિવસ પહેલાં શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ હરીશ સિંગલાએ ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચનું એલાન કર્યું હતું. જેના કારણે ખાલિસ્તાન સમર્થક સંગઠનો તેમના વિરોધમાં ઉતર્યા હતા. તેઓ ખાલિસ્તાનના સમર્થનમાં નારાબાજી કરવા લાગ્યા હતા અને બંને જૂથ સામસામે તલવારબાજી પર આવી ગયા હતા.


